રાજ્યની ૧૦,૦૩૯ બેઠકો માટે૨૬ એપ્રિલે મતદાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026  |   2178

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું નગારુ વાગી ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સાંજે પાંચ વાગે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી દીધી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ અમદાવાદ સહિત રાજ્યમાં ચૂંટણી જ્વર શરૂ થઇ ગયો છે. સ્થાનિક સ્તરે રાજકારણ અત્યંત સંવેદનશીલ હોવાને કારણે જ્યાં ચૂંટણી યોજાનારી છે ત્યાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યની સૌથી મોટી ગણાતી મહાનગર પાલિકા એવી અમદાવાદ મનપામાં પણ હવે ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં છેલ્લા બે દાયકાથી ભાજપનું મહાનગર પાલિકામાં શાસન રહ્યું છે. આ વર્ષે પણ હેટ્રિક મારવા ભાજપ એડીચોટીનું જાેર લગાવશે જ્યારે કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.. શહેરના વિકાસ , સ્માર્ટ સીટી , સ્થાનિક સમસ્યાઓ , રોડ, રસ્તા , ગટર , પાણી અને વરસાદી પાણીના નિકાલની જેજે સમસ્યાઓ નાગરિકોએ ભોગવી છે તે આ ચૂંટણીમાં દેખા દેશે. ત્યારે વાત કરીએ તો અમદાવાદના ૪૮ વોર્ડ માટે ૧૯૨ કોર્પોરેટર ચૂંટાશે ત્યારે અમદાવાદમાં ૨૦૨૧માં ભાજપને ૧૫૯, કોંગ્રેસના ૨૫ જ્યારે અન્યને ૮ બેઠકો મળી હતી જ્યારે ૨૦૧૫ની વાત કરીએ તો ભાજપને ૧૪૩, કોંગ્રેસને ૪૮ અને અન્યને એક બેઠક મળી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં અમદાવાદ જિલ્લામાં અમદાવાદ મહાપાલિકા, અમદાવાદ જિલ્લા પંચાયત ઉપરાંત ત્રણ નગરપાલિકા તેમજ ૯ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.

અમદાવાદ મનપાની ૨૦૨૧ની ચૂંટણીમાં ૪૪.૧૨ ટકા મતદાન થયું હતું

અમદાવાદ મનપાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે અમદાવાદ મનપાની ચૂંટણીમાં કુલ નોંધાયેલા ૩૫,૮૭,૦૬૬ મતદારોમાંથી ફક્ત ૪૪.૧૨ ટકા જેટલું મતદાન થયું હતું. અમદાવાદ મનપામાં વર્ષ ૨૦૨૧ની ચૂંટણી દરમિયાન ૧૮,૭૬,૩૬૫ પુરુષ, ૧૭,૧૦,૭૦૧ સ્ત્રી મળીને કુલ ૩૫,૮૭,૦૬૬ મતદારો નોંધાયેલા હતા. જેમાંથી ૮,૬૯,૬૧૫ પુરુષ અને ૭,૧૩,૦૯૨ મહિલા મતદારો મળીને કુલ ૧૫,૮૨,૭૦૭ મતદારોએ મતદાન કર્યું હતું. એટ્લે કે ગત ચૂંટણીમાં અમદાવાદ મનપાની ચૂંટણીમા ૪૪.૧૨ ટકા જેટલું મતદાન થયું હતું.

કઈ જિલ્લા પંચાયતોની ચૂંટણી

રાજયમાં જૂની ૩૩ અને નવી બનેલી વાવ-થરાદ સહિત કુલ ૩૪ જિલ્લા પંચાયતોની આગામી તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર છે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, રાજકોટ, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સજ્જ: ચાવડા

મહાનગરપાલિકા - જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત - નગરપાલિકાની જાહેર થયેલ ચૂંટણી સમયપત્ર અંગે રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી આચારસંહિતા જાહેરાત થતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાહ ઘણા વખત થી જાેવાતી હતી તે દિશામાં ગુજરાત કોંગ્રેસે ઘણા સમયથી કમર કસી લીધી છે. ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ યાત્રાના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે. ગુજરાત રાજ્યના તમામ વર્ગના લોકો સરકારથી ત્રસ્ત છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભાજપે ભ્રષ્ટાચારના અડ્ડા બનાવી દીધા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ આમ આદમી પાર્ટી એક્શન મોડમાં

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અલગ અલગ સીટો થઈને ટોટલ ૯,૦૦૦થી પણ વધારે સીટો પર ચૂંટણીની જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે છેલ્લા છ મહિનાથી સતત ગ્રાઉન્ડ પર મહેનત કરી રહી છે, અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહી છે. જેના કારણે હવે ગુજરાતના લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution