ખેડા સિરપકાંડ બાદ સફાળી જાગેલી વડોદરા પોલીસે શહેરના ૯૦૦થી વધારે મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ હાથ ધરીને વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. પણ જ્યાં ખરેખર પોલીસની બીક હોવી જાેઈએ એવા શહેરના નશાના કેન્દ્રો પર પોલીસની કાર્યવાહીની કોઈ અસર દેખાતી હોય એમ લાગતુ નથી. આજે પણ શહેરના માંજલપુર સ્મશાન અને અકોટા સ્ટેડિયમના અવાવરૂ સ્થળો પર કફ સિરપની ખાલી શીશીઓ મળી આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, કફ સિરપની ખાલી શીશીઓના લેબલ ખોતરી નાંખેલા હતા. લેબલો ખોતરવા પાછળનો નશેબાજાેનો ઈરાદો શો છે? તે તપાસનો વિષય છે પણ જેટલા ખુલ્લા મેદાનો કે સ્મશાનોમાં કફ સિરપની ખાલી શીશીઓ મળે છે એના લેબલ જાણી બુઝીને ખોતરી નાંખવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભૂતડીઝાંપા મેદાન, રાત્રિ બજાર, અકોટા સ્ટેડિયમ અને માંજલપુર સ્મશાનમાંથી મળી આવેલી સિરપની ખાલી બોટલોમાં મોટાભાગની એક જ કંપનીની હતી. જેના માર્કેટિંગનું કામ સુભાનપુરાની કોઈ કંપની કરી રહી છે. આ કંપનીનું નામ અને સરનામુ પણ સિરપની બોટલો પર વંચાય છે. પોલીસ એની માર્કેટિંગ કંપનીની તપાસ કરે તો ચોક્કસ કોઈ મોટા નેટવર્ક સુધી પહોંચી શકે તેમ છે.
Loading ...