વડોદરા, તા. ૭
વડોદરામાં છેલ્લા એક દાયકા કરતાં ઓછા સમયમાં નામના મેળવનાર વોર્ડ વિઝાર્ડ ગ્રૂપની કંપનીઓ પર આજે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપોરેશન શરૂ કરાયું હતું. આઇટી વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી કંપનીના ઉદ્યોગોના તમામ ઠેકાણાં, કંપનીની મુખ્ય ઓફિસ, સીએમડીના ઘર, ડિરેક્ટરના ઘર સહિતના સ્થળે દરોડો પાડવામાં આવ્યા છે. દિવસ દરમિયાનની તપાસમાં આઇટી વિભાગ દ્વારા વાંધાજનક દસ્તાવેજાે એકત્રિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરા સ્થિત ઇન્ટરનેશનલ કંપની આરઆર કાબેલ પર આઇટી વિભાગ દ્વારા સર્ચ ઓપોરેશન હાથ ધરાયા બાદ હવે, વોર્ડ વિઝાર્ડમાં સર્ચ શરૂ થતાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીની વિવિધ ઓફિસ, ડિરેક્ટર અને સીએમડીના ઘર સહિતના સ્થળે આજે વહેલી સવારેથી જ ઇન્કમટેક્સ વિભાગની જુદી જુદી ટીમ દ્વારા સર્ચ ઓપોરેશન શરૂ કરાયું હતું. આઇટી વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી કંપની પ્લાન્ટથી લઈને સંચાલકોને નિવાસ સ્થાને સર્ચ કરવામાં આવી રહ્યું છે.
આઇટીની ટીમો દ્વારા આજે સવારથી જ વોર્ડ વિઝાર્ડ કંપનીના સીએમડી યતીન ગુપ્તેના નિવાસ સ્થાને પણ સર્ચ શરૂ કરાયું છે. એટલું જ નહીં અન્ય ટીમો દ્વારા કંપનીના પ્લાન્ટ તેમજ અન્ય ઓફિસો પર સર્ચ હાથ ધરાયુ હતું. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વોર્ડ વિઝાર્ડ કંપનીના નામે ચાલતી વિવિધ કંપનીઓના હિસાબની તપાસ કરવામાં આવી રહી છે.
તેમાં પણ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ડેટા કબજે કરી તેની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. આ માટે આઇટી વિભાગ દ્વારા લેપટોપ, તેમજ મુખ્ય કમ્પ્યૂટરના સીપીયુ અને હાર્ડડ્રાઇવ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તે ઉપરાંત અનેક વાંધાજનક દસ્તાવેજાે પણ એકત્રિત કરાયા છે. જાેકે, હજી પણ સરવેની કામગીરી ચાલી રહી છે. જેના અંતે મોટી કરચોરી બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
કઈ ૧૨ કંપનીમાં યતિન ગુપ્તેની ભાગીદારી?
• કેરાલા હેલ્થ એન્ડ વેલનેસ સોલ્યુશન
• અનંતા સ્માર્ટ રૂટ એલએલપી
• વોર્ડ વિઝાર્ડ ફૂડ એન્ડ બ્રેવરેજિસ
• આઈ સિક્યોર ક્રેડિટ એન્ડ કેપિટલ સર્વિસીઝ
• વોર્ડ વિઝાર્ડ હેલ્થકેર લિ.
• વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી
• મંગલમ ઇન્ડસ્ટ્રીઝ ફાઇનાન્સલ લિ.
• સ્કાયપોર્ટ મલ્ટિસર્વિસીઝ પ્રા. લિ.
• બ્લ્યૂબેલ્સ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ પ્રા. લિ.
• વોર્ડ વિઝાર્ડ સોલ્યુશન ઇન્ડિયા પ્રા. લિ.
• વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રા. લિ.
• કોલમ્બસ મેડિકેર સર્વિસ પ્રા. લિ.
યતિન ગુપ્તે બાગેશ્વર સરકારના પરમ ભક્ત
ભારતમાં આજકાલ જેમનું નામ ખુબ જ ચર્ચામાં છે એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના યતીન ગુપ્તે પરમ ભક્ત છે. વડોદરામાં યોજાયેલા બાગેશ્વર બાબાના દરબારમાં પણ તેઓ દ્વારા સૌથી વધારે ફંડ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં બાગેશ્વર ધામ ખાતે કાર્યરત હોસ્પિટલ માટે પણ તેમને મોટી રકમનું ડોનેશન આપ્યું હતું. જેથી જ બાગેશ્વર બાબા યતીન ગુપ્તેના આમંત્રણ પર અનેક વખત વડોદરાનો પ્રવાસ કરી ચૂક્યા છે.
વોર્ડ વિઝાર્ડ પર આઇટીની રેઇડ પડતાં શેરનો ભાવ ગગડ્યો
વોર્ડ વિઝાર્ડ કંપની પર ઇન્કમટેક્સ વિભાગમાં દરોડા બાદ ૧ઃ૧૫ કલાક સુધી કંપનીના શેરના ભાવમાં ૨.૮૬ ટકાનો કડાકો આવ્યો હતો. રોકાણકારોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. આજે માર્કેટ ખુલ્યું તે પહેલા જ આઇટ વિભાગ દ્વારા સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે શેર રૂ. ૮૩ એ ખુલ્યો હતો. જે ગગડીને રૂ. ૭૯ પર આવી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બે વર્ષ પહેલા વોર્ડ વિઝાર્ડ કંપનીના શેરનો ભાવ માત્ર રૂ. ૨ જ હતો. જે માત્ર બે વર્ષમાં રૂ. ૮૩ પર પહોંચ્યા હતો.
યતિન ગુપ્તેને મેડિકલક્ષેત્રમાં પણ કમાણી દેખાઈ
વડોદરાના આજવા રોડ સ્થિત વોર્ડ વિઝાર્ડ કંપની જાેઇ નામથી ઇ-બાઈકનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં ૨૦૧૬માં શરૂ થયેલી કંપની દ્વારા ૨૦૧૮માં પ્રથમ ઈ-બાઈક લોન્ચ કરવામાં આવી હતી. જાેકે, આજે માત્ર ઈ-બાઈક નહીં અન્ય અનેક વ્યવસાય વોર્ડ વિઝાર્ડના નામથી કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ કંપની દ્વારા મેડિકલ ક્ષેત્રે પણ પદાર્પણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોટી સંખ્યામાં હોસ્પિટલ અને દવાની દુકાનો શરૂ કરાઈ છે. વોર્ડ વિઝાર્ડ દ્વારા શહેરના ગોત્રી અને વડસર વિસ્તારમાં બે હોસ્પિટલમાં રોકણ કર્યું છે અને મેડિકલ ક્ષેત્રમાં ઝંપલાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, પહેલા ઇવેન્ટ મેનેજમેન્ટ અને પછી વોર્ડ વિઝાર્ડના નામે જાેઇ ઇ-બાઇકનો વેપાર કરનાર યતીન ગુપ્તેએ મેડિકલ ઉપરાંત ખાણી પીણીના ધંધામાં ઝંપલાવી ક્વિક શેફ નામથી કંપની બનાવી છે. જે નામ હેઠળ મકરપુરા જીઆઈડીસીમાં પોતાનુ ઉત્પાદન યુનિટ પણ શરૂ કર્યું હતું.
યતિન ગુપ્તેની વોર્ડ વિઝાર્ડ દ્વારા હેરિટેજ ગરબાનું આયોજન
વડોદરામાં નાના પાયે વેપાર શરૂ કરી નામ કમાવવા માટે અનેક ઉદ્યોગપતિઓએ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું હતું. જેમાં સાંડેસરા ગ્રૂપ, ભટનાગર ગ્રૂપ અને હવે, વોર્ડ વિઝાર્ડ ગ્રૂપનો સમાવેશ થાય છે. શહેરના સાંડેસરા ગ્રૂપ દ્વારા એક સમયે શહેરમાં મોટો ગરબામાં એક્સક્લૂઝિવિટી સાથે નામના મેળવવામાં આવી હતી. ત્યારબાદ ભટનાગર બંધુઓની કંપની ડાયમંડ પાવર દ્વારા શહેરના વિદેશી આર્ટિર્સ્ટોને બોલાવી તેમજ અન્ય એક એક્સ્પોનું આયોજન કરાયું હતું. જેના પગલે કંપનીના ડિટેક્ટર અમિત ભટનાગર ખુબ ચર્ચામાં રહ્યા હતા. જાેકે, હવે વોર્ડ વિઝાર્ડ કંપનીના સર્વેસર્વા યતીન સંજય ગુપ્તેએ ૨૦૨૨માં વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં એક્સક્લૂઝિવ પાર્ટનર બન્યા હતા. ત્યારબાદ ૨૦૨૩માં યતીન ગુપ્તેએ રાજવી પરિવાર આયોજિત હેરિટેજ ગરબા મહોત્સવમાં મસમોટી રકમ આપી આયોજન કરવાની શરૂઆત કરી હતી.
કંપનીમાં ૭૦ ટકા હોલ્ડિંગ યતિન ગુપ્તેની જ
વોર્ડ વિઝાર્ડ કંપનીના સીએમડી યતીન સંજય ગુપ્તે કુલ ૧૨ કંપનીમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. એટલું જ નહીં વોર્ડ વિઝાર્ડ કંપનીમાં ૭૦ ટકા હોલ્ડિંગ યતીન ગુપ્તે પાસે છે. કંપનીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યતીન ગુપ્તેનું કંપનીમાં રૂ. ૪,૩૫,૫૭,૨૬,૨૫૦નું હોલ્ડિંગ છે. ૧૨ કંપની પૈકી કેટલીકમાં તેઓ ડેઝિગ્નેટેડ ડિરેક્ટર, ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર અને એડિશનલ ડિરેક્ટર તરીકે જાેડાયેલા છે.
બે ડિરેક્ટરે ૧ ફેબ્રુઆરીએ જ રાજીનામાં આપ્યાં હતાં
વોર્ડ વિઝાર્ડમાં એક તરફ આઇટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે. ત્યારે કંપનીના બે નોન એક્ઝિક્યુટિવ ઇન્ડિપેનડેન્ટ ડિરેક્ટર દ્વારા ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજીનામા આપવામાં આવ્યા હતા. જેની જાણ કંપની દ્વારા ત્રીજી ફેબ્રુઆરીએ બીએસઈના બોર્ડને કરવામાં આવી હતી. કંપની દ્વારા બીએસઈના બોર્ડને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું હતું કે, વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી અને વોર્ડ વિઝાર્ડ ફૂડ એન્ડ બેવરેજિસના નોન એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર્સ તરીકે પ્રેયાંશ ભરતકુમાર શાહ અને રોહિણી અભિષેક ચૌહાણ દ્વારા ૧લી ફેબ્રુઆરીના રોજ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, યતીન ગુપ્તે તથા અન્યની વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી અને વોર્ડ વિઝાર્ડ ફૂડ એન્ડ બેવરેજિસ નામની કંપની રજિસ્ટર્ડ છે. ત્યારે તજજ્ઞોનું કહેવું છે કે, કંપનીમાં ઉચ્ચ કક્ષાએ કંઈક રંધાઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. એટલું જ નહીં પ્રેયાંશ શાહ અને રોહિણી ચૌહાણના રાજીનામા પાછળ કંપનીના ડાયરેકટર લોબી દ્વારા મનસ્વી ર્નિણયો પણ એક કારણ સામે આવી રહ્યું છે.
ભાજપના નિકટ ગણાતા ઉદ્યોગપતિ પર આઇટીની રેડથી તર્કવિતર્ક
વોર્ડ વિઝાર્ડના સીએમડી યતીન ગુપ્તે લેવીસ લાઈફ સ્ટાઇલ માટે જાણીતા છે. મોંઘીદાટ કાર, ગનમેન અને હેલિકૉપ્ટર તેની ઓળખ છે. રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર યતીન ગુપ્તેના કેન્દ્ર સરકારના ભાજપના એક મોટાગજાના નેતા સાથે ખુબ જ સારા સંબંધો છે. એટલું જ નહીં ગુજરાત ભાજપના એક મોટા નેતાને જરૂર પડે ત્યારે યતીન ગુપ્તે દ્વારા હેલિકૉપ્ટર સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તે ઉપરાંત વડોદરા ભાજપના એક નેતા સાથે પણ યતીન ગુપ્તેના ઘનિષ્ટ સંબંધો હોવાની ચર્ચા પણ આજે દિવસભર ચાલી હતી.
૮મી ફેબ્રુઆરીએ મળનાર બોર્ડ મિટિંગ રદ કરાઈ
વોર્ડ વિઝાર્ડમાં આઇટી વિભાગના દરોડાના પગલે કંપનીની તમામ કામગીરી લગભગ અટકી ગઈ છે. ત્યારે આગામી તા. ૮મી ફેબ્રુઆરીએ મળનાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક પણ રદ કરવાની સત્તાવાર જાહેરાત કંપની દ્વારા કરાવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે બાબતે કંપની દ્વારા અનિવાર્ય સંજાેગોના કારણે બેઠક રદ કરવામાં આવી હોવાની જાણકારી તમામ ડિરેક્ટરને આપી છે.
Loading ...