વડોદરા, તા.૨૫

વેક્સિન ગ્રાઉન્ડ ગેંગરેપ પીડિતા યુવતીની સાઈકલ છૂપાવી દેનાર સિકયુરિટી ગાર્ડની ઝડપી મોટી સફળતા મેળવી રહી હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે નૈતિક ફરજ ચૂકેલા વોચમેન કરતાં ઘટનાની જાણ હોવા છતાં પોલીસને જાણ નહીં કરનાર ઓએસીસના સંચાલકો અનેકગણા જવાબદાર અને ગુનાહિત બેદરકારી બદલ પોલીસ ગુનો નોંધે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્રારંભિક તપાસમાં જ ઓએસીસના ટોચના સંચાલકોથી માંડી મહત્ત્વની જવાબદારી નિભાવતા લોકોને સંસ્થાની સભ્ય યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાની જાણ છતાં પોલીસ કે પીડિતાના પરિવારને જાણ કરી કરી મામલો દબાવવાનો પ્રયાસ એ એક કાવતરાનો ભાગ હોવાનું જાણકારો માની રહ્યા છે અને પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સંસ્થાની ભેદી પ્રવૃત્તિઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકીય અગ્રણીઓ, બુદ્ધિજીવીઓ સહિત અનેકની પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.એસ.ચૌહાણને તપાસ સોંપાઈ છે. ત્યારે સંસ્થાના સ્થાપકો, હેતુ, દાન આપનારાઓ, પ્રવૃત્તિઓ, ફન્ડિંગ કરનારાઓ, અત્યાર સુધીના અંતેવાસીઓ, સ્ટાફ, સફાઈ કામદારો, રસોઈયાઓ સહિતની પૂછપરછ કરી ચાંપતી તપાસ કરવામાં આવશે. પીડિતાની સાઈકલને છૂપાવનાર વોચમેનને સાઈકલ મળી ત્યારે ખબર નહીં હોય કે આ સાઈકલ આવી ગંભીર ઘટનાનો એક પુરાવો હશે. આ મામલો બહાર આવ્યા બાદ વોચમેને ગભરાઈને સાઈકલ છૂપાવી દીધી હોવાનું તેની પત્નીએ જણાવ્યું. વોચમેન એ નૈતિક ફરજ ચૂકયો હોવાનું માની શકાય, પરંતુ એનાથી અનેકગણી વધારે મોટી ગુનાહિત બેદરકારી ઓએસીસ સંસ્થાએ દાખવી હોવાનું પુરવાર થતાં પોલીસે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.યુવતી ઉપર દુષ્કર્મ ગુજારાયાની જાણ પ્રથમ દિવસે નહીં કરી બાદમાં ત્રણ દિવસ પીડિતા ઓએસીસમાં કણસતી રહી એની સારવાર ન કરાવી એવું અમાનવીય કૃત્ય કર્યું અને પીડિતાની આત્મહત્યા બાદ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ જવાને બદલે ઓએસીસના જવાબદારો ઢાંકપીછોડો કરી ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવે છે તથા તેને બહારગામ મોકલી દીધી હોવાનું બહાર આવ્યું છે.

પીડિતા સાથે ૩૬ સેકન્ડ વાત કરનાર ઈમરાન પણ ઝડપાયો

બળાત્કાર પિડીતાએ ટ્રેનમાં આપઘાત અગાઉ બે વખત વાત કરી હતી જેમાં એક વખત તેણે ૩૬ સેકન્ડ સુધી ઈમરાન નામના યુવક સાથે વાત કરી હોવાની વિગતો મળતા પોલીસે ઈમરાનની શોધખોળ શરૂ કરી હતી. આજે રેલવે પોલીસને કર્ણાટકના બેંગ્લોરમાં રહેતો ઈમરાન મળી આવતા પોલીસે તેને અત્રે લાવીને પુછપરછની તજવીજ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ ઈમરાને પોલીસને જણાવ્યું હતું કે પિડીતાએ તેની સાથે નોકરી મેળવવા બાબતે વાતચિત કરી હોવાનું જણાવ્યું હતું. જાેકે ઈમરાનને ઓએસીસ સંસ્થા સાથે સંબંધ છે કે કેમ અને તે પિડીતા સાથે કેવી રીતે પરિચયમાં હતો અને શું પિડીતા તેને તો મળવા માટે નહોંતી જતીને તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

મહેશે ટાયરો અને ચેન કાઢી નાખી પાંદડા નીચે સાઈકલ છુપાવી

 અકસ્માત બાદ પિડીતાની સાયકલ મોડી સાંજથી સવાર સુધી જગદીશ ફરસાણની ગલીમાં પડી રહી હતી. સાયકલને બિનવારસી હાલતમાં જાેતા મહેશ રાઠવા આ સાયકલ તેના ઘરે લઈ ગયો હતો અને તેની પુત્રીએ સાયકલ ફેરવી પણ હતી. જાેકે પિડીતાના આપઘાત બાદ તેની સાયકલની પોલીસે તપાસ શરૂ કરી હોવાની જાણ થતાં મહેશે ગભરાઈને સાયકલના બંને પૈડા અને ચેન છુટ્ટી કરી નાખ્યા બાદ સાયકલને ઝાડ નીચે પાંદડા નીચે કચરામાં છુપાવી દીધી હતી.

ઓએસીસ ડેમજ કંટ્રોલમાં લાગી

ગેંગરેપની ઘટના બાદ વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતાં સંસ્થા ડેમેજ કંટ્રોલમાં ઉતરી છે. હાલ દિલ્હી સ્થિત એક ઉચ્ચ પોલીસ અધિકારી પણ સંસ્થાને બચાવી લેવા મેદાનમાં ઉતર્યા હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે. ઓએસીસમાં કામ કરતી મહિલાઓ તેમજ વિદ્યાર્થિનીઓ આજે પોલીસ ભવન ખાતે કમિશનર સમશેર સિંગને મળી ઓએસીસની તરફેણમાં રજૂઆત કરી તપાસ અન્ય દિશામાં વળી ગઈ હોવાની વાત કરવા પહોંચી હતી. પરંતુ પોલીસ કમિશનર મળી શક્યા ન હતા. પોલીસ ભવન ખાતે હાજર મીડિયા કર્મચારીઓએ સંસ્થાના લોકોને સવાલો પૂછતાં અમુકના જવાબો વિદ્યાર્થીઓ આપી શક્યા ન હતા.

ગૂંચવાયેલી પોલીસની જાહેરજનતાને વિગતો આપવા અપીલ

આ કેસનું કોંકડુ ઉકેલવા માટે શહેર પોલીસે આ રેપકાંડ અંગે જાે કોઈ નાગરિક પાસે કોઈ પણ માહિતી હોય તો તે કોઈ પણ જાતના ડર વિના પોલીસને આપવા માટે વિનંતી કરી હતી અને માહિતી આપનારની તમામ બાબતો અત્યંત ગુપ્ત રાખવાની પણ બાંહેધરી આપી છે. પોલીસે શહેરીજનોને નીચે જણાવેલ નંબરો ઉપર સંપર્ક કરવા વિનંતી કરી છે.

• શહેર પોલીસ કંટ્રોલ રૂમ – ૦૨૬૫ ૨૪૧૫૧૧૧ / ૧૦૦

• ડીસીબી પોલીસ સ્ટેશન – ૦૨૬૫ ૨૫૧૩૬૩૫

• આર.એ.જાડેજા પોલીસ

ઈન્સપેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન- ૯૮૨૫૭૫૦૩૬૩

• વી.આર.ખેર પોલીસ

ઈન્સપેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન – ૯૯૦૯૨૬૭૦૯૦

• વી.બી.આલ પોલીસ

ઈન્સપેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન – ૮૯૮૦૦૩૭૯૨૬

પીડિતાની બિનવારસી સાઈકલ વૉચમેન પાસેથી મળી આવી

વડોદરા, તા. ૨૫

રાજ્યભરમાં ચકચાર મચાવનારા વડોદરાની ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરતી મુળ નવસારીની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં બળાત્કારના બનાવમાં છેલ્લા ૨૧ દિવસથી તપાસ કરતી પોલીસને પિડીતાની ગુમ થયેલી સાયકલ મળી આવી હતી. અકસ્માત બાદ બળાત્કારી યુવકો પિડિતાને રિક્ષામાં લઈ જતા આ વિસ્તારનો એક વોચમેન બિનવારસી હાલતમાં પડેલી સાયકલ લઈને રવાના થયો હતો અને તેને સાયકલ છુપાવી હોવાની કબૂલાત કરતા પોલીસે આ વોચમેનની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી છે.

વેકસીન ઈન્સ્ટીટ્યુટ મેદાનના રેપકાંડમાં વડોદરા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ રેલવે પોલીસ ડોગસ્કોવોડ અને એફએસએલની ૩૫ ટીમોના ૫૦૦થી વધુ પોલીસ જવાનો છેલ્લા ૨૧ દિવસથી પિડીતા યુવતીને અકસ્માતમાં ઈજાગ્રસ્ત કર્યા બાદ તેનું રિક્ષામાં અપહરણ કરીને તેની પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં બળાત્કાર ગુજારનાર આરોપીઓની દિવસ-રાત સતત શોધખોળ કરી રહી છે. જાેકે પોલીસને કોઈ મહત્વની કડી નહી મળતા પોલીસ વિવિધ થિયરી પર તપાસ કરતી હતી. જાેકે બળાત્કાર બાદ પિડીતાની સાયકલ પણ ભેદી સંજાેગોમાં ગુમ હોઈ પોલીસે સાયકલની પણ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ગઈ કાલે આ કેસની તપાસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના થયા બાદ આજે રેલવે પોલીસને આ કેસમાં મહત્વની કડી સાંપડી હતી.

મળતી વિગતો મુજબ જુનાપાદરારોડ પર પુનિતનગરમાં પર મલ્હાર પોઈન્ટની ગલીમાં ગેલ કંપનીની ઓફિસની બાજુમાં આવેલા એક બંધ બંગલા પાસે સાયકલ મળી આવી હતી. આ સાયકલ લક્ષ્મી સોસાયટી પાસેના એટલાન્ટીસ -૨માં વોચમેન તરીકે કામ કરતા એમડી સિક્યુુરીટી કંપનીનો કર્મચારી મહેશ રાઠવાએ છુુપાવી હોવાની વિગતો મળતા પોલીસે મહેશની અટકાયત કરી તેની પુછપરછ કરી હતી જેમાં તેણે કબુલાત કરી હતી કે પિડીતાની સાયલક તેની પુત્રી સાયકલ ફેરવશે તેમ સમજીને સાયકલ ઘરે લઈ આવ્યો હતો પરંતું આ સાયકલ બળાત્કાર પિડીતાની હોવાની જાણ થતાં તેણે સાયકલ છુપાવી દઈ ચુપકિદી સેવી હતી.સાયકલ મળતા અને તેને છુપાવનાર વોચમેન-પગી પણ મળતા પોલીસે હવે અકસ્માતનો બનાવ ખરેખર ક્યાં બન્યો હતો અને અકસ્માત કરનાર રિક્ષાચાલક કોણ છે તેની વિગતો મેળવવાની તજવીજ શરૂ કરી છે.