વડોદરા, તા.૫

શહેરમાં પાણીની લાઇનમાં લીકેજના બનાવો રોજ બની રહ્યા છે. જેમાં વધુ એક બનાવ આજે સંગમ ચાર રસ્તા ખાતે જાેવા મળ્યો હતો અને પાણીની રેલમછેલ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. શહેરના સંગમ ચાર રસ્તા પાસે દેવદર્શન એપાર્ટમેન્ટ સામે મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં રિપેરિંગ દરમિયાન વાલ્વનું વાયસર ફાટી જતાં પાણીની રેલમછેલથી જળબંબાકારના દૃશ્યો સર્જાયાં હતાં અને વાહનચાલકોને મુશ્કેલનો સામનો કરવો પડ્યો હતો.

જાે કે સંગમ ચાર રસ્તા પાસે પાલિકાતંત્ર દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલ લીકેજનું યોગ્ય સમયે મેઈન્ટેનન્સ નહીં કરાતાં જળબંબાકારના આ દૃશ્યો સર્જાયાં હતાં. એકતરફ પાણી બચાવોની ઝુંબેશ ચલાવનાર કોર્પોરેશન તંત્ર યોગ્ય કાર્યવાહી કરીને પાણીનું લીકેજ અટકાવે તે જરૂરી છે. આજે સંગમ ચાર રસ્તા પાસે થયેલા લીકેજથી મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં શિયાળાની મોસમમાં ચોમાસા જેવો માહોલ જાેવા મળ્યો હતો. વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી લાઇન લીકેજના બનાવો ઉપરાછાપરી બની રહ્યા છે. સોમવારે દિવાળીપુરામાં પણ પાણીની લાઈનમાં ગાબડું પડતાં મેઇન રોડ પર હજારો લિટર પાણીનો જથ્થો વેડફાઇ ગયો હતો.