દાહોદ

રાજ્યમાં હવે ગણતરીના દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. રાજકીય પક્ષોના નેતાઓએ ચુંટણીની તૈયારીઓમાં જાેતરાયા છે. દરમિયાનમાં બુધવારના રોજ ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દાહોદ ખાતે આવી પહોચ્યા હતા.દિલ્હી પર વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરે પોતાનો વિસ્તાર કરી રહી છે, અને જેના ભાગરૂપે ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારોને ચુંટણી લડાવાની કવાયત શરુ કરી છે. બુધવારના રોજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનના નેતાઓ સાથે ચૂંટણી સંબધીત ચર્ચાઓ કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના સ્વાગત માટે કતવારાથી કઠલા ગામ સુધી મોટરસાયકલ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાેડાયા હતા. દાહોદ જિલ્લામાં બુધવારના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના સ્વાગત ટાણે માસ્ક પહેરવાનું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ભૂલ્યા હતા.