ગાંધીનગર-

એડવોકેટ્સ સહિતના કાનૂની નિષ્ણાતોને હાલ તૂરંત લવ-જેહાદ રોકવાનો કાનૂન લાગુ કરવો સંગત ન લાગતાં, રાજ્ય સરકારે તેને હમણાં અભરાઈએ ચડાવી દેવાનો નિર્ણય કર્યો છે. 

અંતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર, આ કાનૂન બાબતે પ્રતિકૂળ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હોવાને લીધે આગામી પહેલી માર્ચથી શરૂ થનારા વિધાનસભાના બજેટસત્ર દરમિયાન સરકાર તેને ગૃહમાં નહીં લાવે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવી સરકારોએ આ કાનૂન લાગુ કરી દીધો ત્યારબાદ ગુજરાત સરકારે પણ એ ખરડાને વિધાનસભામાંથી પસાર કરવાનો વિચાર કર્યો હતો. રાજ્યમાં ધર્માંતરણ વિરુદ્ધનો કાનૂન અસ્તિત્વમાં જ છે, જે અંતર્ગત છેતરપિંડીથી ભોળવીને કે ધાક-ધમકી આપીને ધર્માંતરણ પ્રેરવું એ ગુનો બને છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ દ્વારા જે કાનૂન લાગુ કરાયો છે, તેના પર અભિપ્રાય લઈ લેવાય એમ ગોઠવીને સરકારે આ પહેલાં કાનૂન, ગૃહ અને ધારાસભાકીય અને સંસદીય બાબતોના મંત્રાલયને આ બાબતે પ્રસ્તાવ મોકલ્યો હતો. સરકારે આ મંત્રાલયોને આ પસાર થયેલા કાનૂનોને જોઈ જવા અને રાજ્યમાં હાલમાં જે અસ્તિત્વ ધરાવે છે, એ ધર્માંતરણના કાનૂનને બદલવાની કે પછી તેમાં સુધારો કરવાની કોઈ જરૂર છે કે કેમ, એ બાબતે અભિપ્રાય આપવા જણાવ્યું હતું. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે, એડવોકેટો અને સરકારના નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, હાલના કાનૂનમાં કોઈ ફેરફાર કરવો જરૂરી નથી તેમજ, નવો કાનૂન પણ જેમ છે તેમ લાગુ કરી શકાય એમ નથી, તેથી હાલના સમયમાં આ કાનૂનને વિધાનસભામાં લાવવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.