કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યાં પ્રજાનું ભલુ શું કરશે?: સ્મૃતિ ઇરાની
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2020  |   1584

અમદાવાદ-

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીજીએ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા, લીંબડી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણા, ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામભાઇ પરમાર તેમજ કરજણ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર અક્ષયભાઈ પટેલના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધી હતી.

સ્મૃતિ ઇરાનીજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે નવરાત્રીનું સાતમું નોરતું છે, માં અંબાના 'કાલરાત્રી' સ્વરૂપની આરાધનાનો એટલે કે દાનવરૂપી કુનીતિઓના સંહાર કરવાનો અને સત્યનો વિજયને સુનિશ્ચિત કરવાનો દિવસ છે ત્યારે હું સૌભાગ્યવાન છું કે આજના પવિત્ર દિવસે વર્ષો સુધી દેશને લૂંટનારી, ગુજરાત જેવા પ્રગતિશીલ પ્રદેશના વિકાસને રોકવાના ષડ્યંત્રો રચનારી કોંગ્રેસ વિરુદ્ધ શંખનાદ કરવાનો અને ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં ગુજરાત આવવાનો અવસર મળ્યો છે. હું સાંસદ અમેઠીની છું, પણ દીકરી અને વહુ તો ગુજરાતની જ છું. ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રના નવનિર્માણની સંકલ્પના સાથે બુથ બુથ પર જઈને સંગઠનને સશક્ત કરે છે, ભાજપાના રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓના ચરણોમાં શીશ ઝુકાવી તેમને વંદન કરું છું. 

સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું હતું કે, ભાજપામાં નેતૃત્વ વ્યક્તિના પુરુષાર્થ ઉપર નિર્ભર છે, કોંગ્રેસની જેમ વ્યક્તિ કયા પરિવારમાં જન્મ્યો છે તેના પર નહીં. આજે દેશના કરોડો નાગરિકો સ્વીકારે છે કે, એક ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ એટલે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પુરુષાર્થ અને ક્ષમતાને કારણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રદેશનો સર્વાંગી વિકાસ કર્યો અને આજે પ્રધાનસેવક તરીકે રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહયા છે. સમગ્ર દેશ આજે તેમના નેતૃત્વ ઉપર ગૌરવ કરી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે પૂછવું છે, શું કોઈ એક પરિવારના સદસ્ય જ તમારા નેતા છે? કોંગ્રેસ હવે ડૂબતું નાવ છે, જેમનું પોતાનું અસ્તિત્વ જોખમમાં છે તે શું જનતાનું ભલું કરી શકશે?

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution