દિલ્હી-
ખેડૂતોએ શનિવારે આપેલા દેશભરના ચક્કાજામના કાર્યક્રમ અંતર્ગત શનિવારે આશરે બપોરે 12 વાગ્યાની આસપાસ ચક્કાજામ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ચક્કાજામ શરૂ થતાં જ અનેક રાજ્યોમાં એકસાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ચંદીગઢમાં ખેડૂતો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એકઠા થઈ ગયા છે, અને તેમણે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો છે.
ગ્વાલિયરમાં દિગ્વિજયસિંહે લોકોને અપીલ કરી હતી કે, ખેડૂતોના સમર્થનમાં તેઓ બહાર આવે અને ખેડૂત વિરોધી કાનૂનો સામે સૂત્રોચ્ચાર કરે. તેમણે લોકોને ખેડૂતો સાથે ધરણામાં જોડાવા અપીલ કરી હતી.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, અમે ખેડૂતોને આ દેશની માટી સાથે જોડીશું અને આગામી 2જી ઓક્ટોબર સુધી અહીંથી હટીશું નહીં. આ ખેડૂતક્રાંતિની માટી છે. રોટી તિજોરીમાં બંધ ન કરાય એ માટે અમે આંદોલન કરી રહ્યા છીએ. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામ નહોતો કરાયો. દેશના કેટલાક વિસ્તારોમાં આ ચક્કાજામ શરૂ થતાં તેની અસર દેખાવા લાગી હતી.