વડોદરા, તા.૨૬
લોકસભાની ચૂંટણીના શરૂ થયેલા ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા આજથી બે દિવસ હાથ ધરાયેલી સેન્સપ્રક્રિયા અંતર્ગત આજે વડોદરા લોકસભા બેઠક માટેની કાર્યકરો અને નેતાઓની સેન્સપ્રક્રિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાનું જાણવા મળે છે. વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ માટે કાર્યકરો અને નેતાઓની લાગણીની વાચ વચ્ચે અન્ય નેતાઓ અને સંગઠનના પદાધિકારીઓ દ્વારા પણ દાવેદારી કરાઈ છે. ત્યારે વડોદરાના નવા સાંસદ કોણ? તેવી શહેર-જિલ્લાના ભાજપમાં કાર્યકરોમાં ચાલતી ચર્ચા વચ્ચે બપોરથી શરૂ થયેલી સેન્સપ્રક્રિયા રાતે પૂર્ણ થઈ હતી.
આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી માટે સેન્સપ્રક્રિયા હાથ ધરાઈ છે. જે માટે આજે વડોદરા લોકસભાની બેઠક પર સેન્સ લેવા માટે પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, મંત્રી પ્રફુલ પાનસેરિયા અને પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય ભાવનાબેન દવે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે બપોરે આવી પહોંચ્યા હતા.
પ્રદેશ નિરીક્ષકો દ્વારા વડોદરામાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, શહેર તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો વડોદરા ઉપરાંત સાવલી અને વાઘોડિયાના ભાજપના અગ્રણીઓ, કાઉન્સિલરોને મળીને તેમના સેન્સ મેળવ્યા હતા. જાે કે, કાર્યકરો અને નેતાઓની સેન્સપ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોવાનું જાણવા મળે છે. સાંસદ રંજનબેન ભટ્ટ માટે કાર્યકરો અને નેતાઓએ મત વ્યક્ત કર્યો હતો. તો અન્ય નેતાઓ અને સંગઠનના પદાધિકારીઓ દ્વારા પણ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી કરાઈ હોવાનું જાણવા મળે છે.
વડોદરા બેઠક માટે દાવેદાર કોણ-કોણ?
• સાંસદ રંજનબેન ભટ્ટ
• મેયર પિન્કીબેન સોની
• શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ
• પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
• દંડક બાળકૃષ્ણ શુક્લ
• પૂૃવ સાંસદ જયાબેન ઠક્કર
• પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડયા
• સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી
• હેનાબેન ભૂપેન્દ્ર લાખાવાલા
• સુરેશ ધૂળાભાઈ પટેલ
• શબ્દશરણ બ્રહ્મભટ્ટ
શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહની દાવેદારી
વડોદરા લોકસભા બેઠક માટે હાથ ધરાયેલી સેન્સની પ્રક્રિયામાં અપેક્ષિતોએ તેમના મત સાથે કેટલાકે પોતાની દાવેદારી પણ રજૂ કરી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે પણ તેમણે વડોદરા લોકસભાની બેઠક માટે દાવેદારી નોંધાવી હોવાનું મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાર્ટના અધ્યક્ષ તરીકે પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં પણ ઈચ્છા વ્યક્ત કરી છે.
કોણ કોણ અપેક્ષિત હતા?
• વર્તમાન સાંસદ • પૂર્વ સાંસદ • શહેર સંગઠનના તમામ હોદ્દેદારો
• જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો • માંજલપુર, રાવપુરા, અકોટા, શહેર વાડી, સયાજીગંજ, વાઘોડિયા, સાવલીના ધારાસભ્યો • સાવલી, વાઘોડિયા જિલ્લા પંચાયતના સભ્યો • વડોદરા કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સિલરો • વડોદરા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ • પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ • પ્રદેશ સંગઠનના હોદ્ેદારો
વડોદરા લોકસભા બેઠક બ્રાહ્મણ ઉમેદવારને જ ફળવાય તેવી ચર્ચા
વડોદરા લોકસભા બેઠક બ્રાહ્મણ ઉમેદવારને જ ફળવાય તેવી ચર્ચા વચ્ચે અત્યાર લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો પૈકી એક માત્ર વડોદરા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટ બ્રાહ્મણ સમૂદાયમાંથી આવે છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં બ્રાહ્મણ ઉમેદવારને જ આ બેઠક ફાળવાયેલી રહેતી તેવી પ્રબળ શક્યતા જાેવાઈ રહી છે. જેમાં રિપીટ કરવામાં આવે તો રંજનબેન ભટ્ટ પ્રબળ દાવેદાર છે જ, પરંતુ આ સિવાય સ્પર્ધામાં રાજ્યમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વર્તમાન વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપપ્રમુખ ડૉ. જ્યોતિબેન પંડયા, પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના નામો પણ ચર્ચામાં હોવાનું જાણવા મળે છે.
નિરીક્ષકોના દરવાજા પાસે કાન લગાવી રજૂઆતો સાંભળનાર કાછીયા કોણ?
શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ અપેક્ષિતો જ્યારે રજૂઆતો કરી રહ્યા હતા, ત્યારે દરવાજા પાસે કાન લગાવીને કાછીયા નામની વ્યક્તિ રજૂઆતો સાંભળતો હોવાની વાત વહેતી થઈ હતી. જેને લઈને એક નેતાએ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળે છે.