ઈસ્લામાબાદ-

પાકિસ્તાન ના એક હિન્દુ સાંસદે સંસદના નીચલા ગૃહમાં એક ખરડો રજૂ કર્યો છે. જેમાં દરેક નાગરિકને સમાનતા અને ન્યાય મળે તે માટે દેશમાં અસમાનતા સમાપ્ત થાય તે માટે બંધારણમાં ધાર્મિક લઘુમતીઓનો ઉલ્લેખ ‘બિન-મુસ્લિમ’ તરીકે કરવાની વિનંતી કરવામાં આવી છે. વિપક્ષી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના સાંસદ કિસો માલ કિયાલ દાસે રાષ્ટ્રીય વિધાનસભામાં નેશનલ એસેમ્બલી પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ રૂલ્સ, 2007 ના નિયમ 118 હેઠળ બિન-સરકારી બિલ રજૂ કર્યું છે.

બંધારણ સુધારો અધિનિયમ, 2021 કહેવાતા આ ખરડાનો ઉદ્દેશ પાકિસ્તાનમાં બિન-મુસ્લિમો સામેના ભેદભાવને સમાપ્ત કરવાનો છે, જેને બંધારણમાં લઘુમતી કહેવાયા છે. તેમણે કહ્યું કે આ બિલને સ્વીકારવું જોઈએ અને તાત્કાલિક અસરથી રજૂ કરવું જોઈએ. સરકારે બિલનો વિરોધ કર્યો નથી અને આ મામલો સંબંધિત સ્થાયી સમિતિને સોંપવામાં આવ્યો છે. ગૃહની દ્વિપક્ષી સમિતિ દ્વારા તેની સમીક્ષા કર્યા પછી તેને મતદાન માટે રજૂ કરવામાં આવશે. દાસે બિલમાં કહ્યું હતું કે, દેશના એક મોટા હિન્દુ સમુદાયને લઘુમતી જાહેર કરીને ભેદભાવ કરવો તે બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. વર્ષ 1973થી આ હિન્દુ સમુદાયે દેશના દરેક ક્ષેત્રના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

તેમણે કહ્યું, “(બંધારણમાં) ચાર વખત ‘અલ્પ સંખ્યક ‘ અને 15 વખત ‘બિન-મુસ્લિમ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બંધારણના ઘડનારાઓના ઇરાદાને દર્શાવે છે. તેથી, લઘુમતીને બદલે બિન-મુસ્લિમ શબ્દનો ઉપયોગ કરીને વિસંગતતા દૂર કરવી જોઈએ. "તેમણે કહ્યું કે બંધારણીય સુધારો પાકિસ્તાનના દરેક નાગરિક માટે સમાનતા અને ન્યાય સ્થાપિત કરવા માટેનો રચનાત્મક પ્રયાસ હશે. પાકિસ્તાનની કુલ 22 કરોડ વસ્તીમાં 3.75 ટકા જેટલા લોકો બિન-મુસ્લિમો છે. હિન્દુઓ પાકિસ્તાનમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર અંદાજ મુજબ, પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુઓ વસે છે. જો કે, હિન્દુ સમુદાય અનુસાર તેમની વસ્તી 90 લાખથી વધુ છે. પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તીનો મોટો હિસ્સો સિંધ પ્રાંતમાં સ્થાયી છે. હિન્દુઓ સિવાય, પાકિસ્તાનમાં અન્ય લઘુમતીઓમાં ખ્રિસ્તીઓ, અહમદી, બહાઇ, પારસીઓ અને બૌદ્ધ લોકોનો સમાવેશ થાય છે.