પ્રકાશ ભ્રષ્ટાચારના અંધારા ઉલેચશે કે સ્વિચ પડી જશે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જાન્યુઆરી 2021  |   1584

આણંદ : ખાખીમાં વ્યાપેલાં ભ્રષ્ટાચારથી તો એક-એક વ્યક્તિ વાકેફ છે, પણ બધું ચાલ્યાં રાખે છે. જાેકે, ૩૧મી ડિસેમ્બરે અમદાવાદ ગ્રામીણ એસીબીએ ઈતિહાસનું સૌથી મોટું છટકું ગોઠવીને ખાખીના વેશમાં ફરતાં મગરમચ્છને ઝડપી પાડ્યો છે. અમદાવાદ રેન્જના આરઆર સેલના વહીવટદાર એએસઆઇ પ્રકાશસિંહને ૫૦ લાખની લાંચ પ્રકરણમાં રંગેહાથે ઝડપી પાડીને ખળભળાટ મચાવી દીધો હતો. 

એક ચર્ચા મુજબ, સતત ૧૨ વર્ષથી આણંદમાં પડ્યાં પાથર્યા રહેનાર પ્રકાશે કરોડોની મિલકત વસાવી છે. એવું પણ પૂછાઈ રહ્યું છે કે, એક સામાન્ય એએસઆઇએ રૂપિયા ૫૦ લાખની જંગી રકમની લાંચ કોના ઇશારે માગી હતી? પ્રકાશસિંહે કાળું નાણું ભેગું કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી! પોલીસ તરીકેની ઓળખ આપીને રોફ જમાવતો આ આ સામાન્ય એએસઆઇ વર્ષ ૨૦૦૮થી છેક હમણાં સુધી સામાન્ય પગારમાં કરોડોનો આસામી કંવી રીતે બની ગયો? અંદાજિત ૩૫થી ૪૦ હજારનો પગાર હોવા છતાં પણ કરોડોનો આસામી બની ગયો છે. તેની અપ્રમાણસરની સંપત્તિ બાબતની ચર્ચા પોલીસ બેડામાં ઘણાં વખતતી થતી હતી. જાેકે, મોટાં અધિકારીઓની નજીક હોવાથી કોઇ તેનાં વિરુદ્ધ બોલવા તૈયાર ન હતું. ચરોતરમાં એનઆરઆઇથી લઈને અનેક નામી હસ્તીઓને પણ આ લાંચિયા એએસઆઇએ છોડ્યાં ન હતાં, તેવી હવે ચર્ચા શરૂ થઈ છે. વિદેશથી આવતાં નાગરિકોને નાની નાની વાતોમાં ફોલ્ટ દેખાડીને રૂપિયા પડાવતો હોવાની ચર્ચા છે. હવે સવાલ એ છે કે, રૂ.૫૦ લાખની લાંચ લેતાં ઝડપાયેલાં આ એએસઆઇ પાછળ ક્યા ક્યા અધિકારીઓની સંડોવણી છે તે પણ એસીબીની તપાસમાં બહાર આવશે કે કેમ?

સૂત્રોનું તો ત્યાં સુધી કહેવું છે કે, એસીબીના છટકામાં ઝડપાયેલાં પ્રકાશસિંહે માત્ર આણંદ જ નહીં, પણ નડિયાદ અને ખેડા જિલ્લામાં પોતાના વહીવટદારો રાખીને ઉઘરાણીઓ કરતો હોવાની ચર્ચા છે. આણંદની સાથે ખેડામાં પણ પ્રકાશસિંહે વહીવટદારો રાખીને ધાક જમાવી હોવાની ચર્ચા છે. થોડા સમય અગાઉ મહેમદાવાદ અને કઠલાલમાં સ્થાનિક વહીવટદારોની મદદથી ગોઠવણ કરી હોવાની ચર્ચા પોલીસ બેડામાં છે. પ્રકાશસિંહ ઝડપાતાં હવે તેનાં સાગરિત વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે. બંને જિલ્લામાં ફેલાયેલાં તેનાં સાગરિતો ભૂગર્ભગમાં જતાં રહ્યાં હોવાની પણ ચર્ચા છે.

પ્રકાશસિંહની મિલકતો ક્યાં ક્યાં છે?

એક ચર્ચા મુજબ, પ્રકાશસિંહે આણંદમાં ૧૫ દુકાનો, ગાંધીનગરમાં બંગલો, આણંદમાં બે બંગલા, વિદ્યાનગર રોડ ઉપર બે ફ્લેટ, વિદ્યાનગર રોડ પર રેસ્ટોરાં, આણંદ ગ્રીડ પાસેની ટેલિકોમ કંપનીની દુકાન, નડિયાદની ટેલિકોમ કંપનીની દુકાન, ઇન્ફોસિટીમાં દુકાનો, ભરૂચમાં ઇટરી ચેઇનની દુકાન તદુપરાંત જમીનો પણ પરિવારજનોના નામે લીધી હોવાની જિલ્લાભરમાં ચર્ચા ચાલી રહી છેે. જાેકે પોલીસ તપાસમાં સત્ય શું છે? તે બહાર આવશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution