વડોદરા, તા.૨૩

જ્યાં વસતી હોય જે વિસ્તાર ડેવલપ થયો હોય ત્યાં સામાન્ય રીતે રોડ, રસ્તા, ગટર વગેરેના વિકાસનાં કામો કરવાની પ્રાથમિકતા હોવી જાેઈએ. વડોદરા શહેરમાં કેનાલને સમાંતર કેટલીક જગ્યાએ આ રોડની માત્ર કડીઓ જાેડવાની બાકી છે. ત્યારે આ રોડની કામગીરી પૂર્ણ કરવાની જગ્યાએ વુડા દ્વારા સેવાસીથી વડોદરા-પાદરાને જાેડતા ૭૫ મીટર રસ્તાનું કામ શરૂ કરવાની તૈયારી શરૂ કરાઈ છે. આવતીકાલે મળનારી વુડાની બેઠકમાં ચોક્કસ લોકોના લાભાર્થે ૭૫ મીટરનો રોડ બનાવવાનો કારસો પાર પડાશે કે પછી પ્રજાલક્ષી નિર્ણય લેવાશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

શહેર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને હરણીથી શરૂ કરીને સમા, વેમાલી, દુમાડ, છાણી, નિઝામપુરા, ગોરવા, ગોત્રી થઈને પાદરા રોડ સુધી જતી નર્મદાની કેનાલને સમાંતર ર૦ કિ.મી. લાંબો ૩૦ મીટરનો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેનાલને સમાંતર આ રોડ મોટાભાગે બની પણ ગયો છે અને આ રોડની આસપાસ ડેવલોપમેન્ટ સાથે લાખો લોકોની વસતી પણ છે. ૩૦ મીટરના કેનાલને સમાંતર આ રોડ પૂર્ણ કરવા માટે બે સ્થળે બ્રિજ તો કેટલાક સ્થળે ખૂટતી કડીઓ જાેડવાની છે.

ત્યારે આ રસ્તાને પ્રાથમિકતા આપવાને બદલે સેવાસીથી વડોદરા-પાદરાને જાેડતા ૬ કિ.મી. લાંબા અને ૭પ મીટર પહોળો રસ્તો બનાવવા કે જ્યાં કોઈ લોકોની વસતી નથી ત્યાં ૧૦૦ કરોડનું આંધણ કરવાનો તખ્તો વુડા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં વસતી નથી ત્યાં ૧૦૦ કરોડના ખર્ચે રસ્તો બનાવવાને બદલે શહેરના અન્ય વિકાસનાં કામોમાં વપરાય તો અનેક કામો થઈ શકે તેમ છે. પરંતુ આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મ્યુનિ. કમિશનર અને વુડાના ચેરમેન દ્વારા જંગલમાં રસ્તો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આવતીકાલે વુડા બોર્ડની બેઠક મળનાર છે. ત્યારે ચોક્કસ લોકોના લાભાર્થે ૭પ મીટર રોડ બનાવવાનો કારસો પાર પડાશે કે પછી પ્રજાલક્ષી નિર્ણય કરાશે?