મકર સંક્રાતિએ શેનું દાન કરશો?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જાન્યુઆરી 2025  |   નીતા દવે   |   14157

ભારતએ વિવિધ ધર્મો વિવિધ સંપ્રદાય અને વિવિધ તહેવારોનો દેશ છે. દરેક રાજ્યની પોતાની આગવી વિશેષતા હોય છે. એવી રીતે મકરસંક્રાંતિ એ ગુજરાત રાજ્યનો અનોખો તહેવાર છે.જેની ઉજવણી પણ ખૂબ ઉત્સાહપૂર્વક દરેક ઘરમાં કરવામાં આવતી હોય છે.હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય ધન રાશિમાંથી ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યદેવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. દાન પુણ્યની દ્રષ્ટિએ મકરસંક્રાંતિનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પૂજા પાઠ, દાન કરવાથી પુણ્ય મળે છે. મકરસંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. દાન કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ગોળનું દાન ઃ મકરસંક્રાંતિ પર ગોળનું દાન અવશ્ય કરવું જાેઈએ. ગોળનું દાન કરવાથી ગ્રહોની શાંતિ થાય છે અને જીવનમાં મીઠાશ બની રહે છે.

તલનું દાન ઃ મકરસંક્રાંતિ પર કાળા તલથી બનેલી વસ્તુ દાન કરવાથી સૂર્યદેવ, ભગવાન વિષ્ણુજી અને શનિદેવ ત્રણેય પ્રસન્ન થાય છે. મકરસંક્રાંતિને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. કાળા તલના દાનથી દુર્ભાગ્ય દૂર થાય છે.

મીઠાનું દાન ઃશાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિ પર મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, તેથી આ દિવસે મીઠાનું દાન કરવું જાેઈએ.

કાળી વસ્તુઓનું દાન ઃ મકરસંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી તમામ પ્રકારના શનિદોષ અને રાહુ દોષ દૂર થાય છે.

નવા ઘીમાંથી બનેલી વાનગીઓનું દાન ઃ ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે માનવામાં આવે છે, તેથી મકરસંક્રાંતિના દિવસે તમારું ભાગ્ય ચમકાવવા માટે દેશી દેશી ઘીથી બનેલી વાનગીઓનું દાન કરવું જાેઈએ.

ખીચડીનું દાન ઃમકરસંક્રાંતિના દિવસે ચોખા અને કાળી અડદની દાળની ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.

ઊનના વસ્ત્રોનું દાન ઃજાતકની કુંડલીમાંથી શનિ અને રાહુના દોષ દૂર કરવા માટે મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદને ઊની કપડાનું દાન કરવું જાેઈએ.

પશુઓને ચારો ખવડાવો ઃમકરસંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાનું વિશેષ મહત્વ છે. જેના કારણે ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે.

દીપદાનનું મહત્વ ઃ મકરસંક્રાંતિ પર દીપદાન ઘણું મહત્વ ધરાવે છે. આ દિવસે મંદિર અથવા પવિત્ર નદીમાં દીપદાન અવશ્ય કરવું જાેઈએ, તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

મકરસંક્રાંતિના દિવસે ખાસ કરીને સૂર્યપૂજાનું ખૂબ આગવું મહત્વ રહેલું છે.આ દિવસે સૌ કોઈ અલગ અલગ દ્રવ્ય થી સૂર્ય દેવી પૂજા-અર્ચના કરે છે. કહેવાય છે કે ઉત્તરાયણે સવારમાં વ્હેલાં ઠંડા પાણીમાં તલ ઉમેરીને તલસ્નાન કરવાનું મહાત્મ્ય છે. ત્યારબાદ તામ્રપાત્રમાં જળભરી તેમાં ચંદન-પુષ્પ-અક્ષત ઉમેરીને સૂર્ય નારાયણને અર્ધ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નીરોગીતા પ્રદાન કરે છે. મકરસંક્રાંતિના દિવસે ઘરમાં કેટલાક શુભ યોગની રચના કરવામાં આવે તો ઘર આખું વર્ષ ધંધાનીય તંદુરસ્તી અને આનંદ પ્રમોદથી ભર્યું ભર્યું રહે છે.ઘર માં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આ દિવસે વિશેષ ઉપાયો કરવામાં આવતા હોય છે. આ દિવસે શું ઉપાય કરી શકીએ

                                   મકરસંક્રાંતિએ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી સૂર્ય દેવની પૂજા કરવી જાેઈએ તેનું ખાસ મહત્વ રહેલું છે. એક થાળીમાં રોલી, મોલી, લવિંગ, ગોળ, દૂધ અને હળદર રાખીને સૂર્ય દેવની પૂજા કરવી જાેઈએ.બાદમાં એક લોટામાં પાણી ભરી તેમાં કાળા તલ, લાલ ફૂલ અને રોલી નાખી તેને સૂર્યદેવને અર્પણ કરો. સાથે જ સૂર્ય મંત્રનું ઉચ્ચારણ કરીને સૂર્ય દેવને પ્રણામ કરો અને ઘરમાં સુખ સમૃદ્ધિની કામના કરવાથી ઘર માં આર્થિક અને શારિરીક સમૃધ્ધિ વધે છે.તેથી જ મકર સંક્રાંતિએ તલ, ગોળ શેરડી , અનાજ , સૂવર્ણ, ચાંદી, ધાતુપાત્ર, કંબલ, વગેરે દાનમાં આપવાની પ્રણાલી છે.વિશેષમાં સંક્રાંતિ કાળમાં કરેલા દાન-પૂણ્ય-વ્રત અક્ષયપુણ્ય આપનારા બને છે.વિશેષમાં શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. સૂર્ય ઉપાસનાથી, આદિત્ય હ્રદય સ્તોત્રના પાઠ કરવાથી તમામ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે.

                                       ગુજરાત માં મકરસંક્રાંતિ પર્વ એટલે પતંગ પર્વ. દરેક ઘર માં ઉંધીયુ બને છે જેમાં દરેક શાકભાજી તથા લીલા કઠોળ નો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉત્તમ ગુણકારી હોય છે. ગોળ અને તલની ચીકી બનાવાય છે અને ધાબા ઉપર ચડી અને આખો દિવસ પતંગ મહોત્સવ ઉજવાય છે.આ ઉત્સવમાં લોકો રંગબેરંગી પતંગ ચડાવે છે. વિવિધ ચીકી ખાય છે .પતંગોત્સવ એવો શુભ સંદેશ આપે છે કે ઘર કુટુંબ માં રહેલો ભાઈ ચારો , સહિયારી મજા અને આનંદનો સ્ત્રોત બની રહે છે. સંક્રાતના દિવસે જમવામાં લેવાતું ભોજન પણ સમૂહ ના સ્વાદની પ્રતીતિ કરાવતું હોય છે. પતંગ ઉત્સવ એવું શીખવે છે કે ભગવાન સુધી પહોંચવા જ્ઞાન અને ભક્તિરૂપી ઊંચાઈ પ્રાપ્ત કરો તો જરૂર ચડતા પતંગની માફક પ્રભુ પાસે પહોંચી શકાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution