વડોદરા, તા.૧૧

સૂર્યદેવે રૌદ્રરૂપ ધારણ કરતાં વડોદરા શહેર-જિલ્લામાં આકાશમાંથી વરસી રહેલ અગનવર્ષાના કારણે આકરી ગરમીના પ્રકોપથી મનુષ્યજીવ સાથે અબોલા પશુ-પક્ષીઓ-પ્રાણીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ ઊઠયાં છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનના પારામાં અંદાજે ૩.૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો થતાં આજે ઉનાળાની સીઝનનો સૌથી વધુ તાપમાન ૪૩.૮ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે. અબોલા પશુ-પક્ષીઓ-પ્રાણીઓ પણ વૃક્ષોનો છાંયડો શોધવા માટે માર્ગો પર આમ-તેમ ફરતાં નજરે પડી રહ્યાં છે.

ખાસ કરીને ફૂટપાથ પર રહેતાં ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવન ગુજારતાં ગરીબ લોકોની હાલત વધુ કફોડી બની છે. જાે કે, કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરમીથી રક્ષણ મેળવવા માટે છાશ અને લીંબુ સરબત સહિત આરોગ્યપ્રદ ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન શહેરમાં આકરી ગરમીનો પ્રકોપ રહેતાં લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા હતા. તદ્‌ઉપરાંત આ સાથે પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાતાં ફૂંકાતા ગરમ પવનથી અંગ દઝાડતાં ટુ-વ્હીલરચાલકો, સાઈકલચાલકો, રાહદારીઓ, શ્રમજીવીઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, તેમને ફરજિયાત મોઢા પર રૂમાલ, ગોગલ્સ, ટોપી પહેરવાની ફરજ પડી હતી.

જાે કે, આકરી ગરમીમાં બહાર ન નીકળવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. જેથી બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર વાહનવ્યવહાર ઓછો જાેવા મળ્યો હતો. અલબત્ત, કુદરતી કરફયૂનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ ગરમીથી બચવા માટે મહત્તમ ગરમીનું તાપમાન ૪૩.૮ ડિગ્રી સે. નોંધાયું હતું, જે ગઈકાલ કરતાં આજે ૦.૪ પોઈન્ટ તાપમાનમાં વધારો થયો હતો, જે ઉનાળાની સીઝનનો સૌથી તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન રપ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૫૧ ટકા અને સાંજે ૧૬ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાઈ હતી. ગરમ લ્હાય જેવા ફૂંકાતા પવનને કારણે વાહનચાલકો અગનગોળાનો અહેસાસ કરી રહ્યા હતા. ખાસ કરીને હાથ અને હાથના પંજા ઉપર તેની વધુ અસર જાેવા મળી હતી. આકરી ગરમીમાં ઘરોમાં અને ઓફિસમાં એ.સી., કુલર અને પંખાનો સહારો લેવો પડી રહ્યો છે. જાે કે, પંખાની ગરમ હવાથી ગરમીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળાની સીઝનનો આ દિવસ આકરી ગરમીનો રહ્યો હતો.