અમદાવાદ-

ગુજરાતમાં ૧૯૯૦ પછી ફરીવાર ૨૦૨૧માં હિન્દુત્વનું મોજું ફરી વળે એવી સંભાવના છે. ભાજપના હાઈ કમાન્ડની સૂચના અનુસાર, ભાજપના ગુજરાત એકમ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીની સાથે સાથે રામમંદિર નિર્માણના નામે પ્રચાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એ જાેતાં ભાજપ ૩૦ વર્ષ પછી ફરી એકવાર રામના નામે મત માગવા નીકળી રહ્યો છે, મહાનગરપાલિકાના પ્રચારમાં પણ રામનું નામ ચાલી રહ્યું છે. રામમંદિરના નિર્માણ માટે ભાજપશાસિત રાજ્યોએ ફંડ આપવાની શરૂઆત કરી છે ત્યારે ગુજરાતમાં પણ લોકો પાસેથી ફંડ ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને ઠેર ઠેર રામમંદિર નિર્માણ નિધિના બેનર લગાવીને પ્રચાર તો શરૂ કરી દીધો છે.

 સાથે સાથે ભાજપના ઉમેદવારો પણ રામમંદિરના નામે મત માગવા નીકળી રહ્યા છે. ભાજપના ચૂંટણીઢંઢેરામાં પણ રામમંદિરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે એવી પણ શક્યતા છે, કેમ કે ભાજપે મહાનગરપાલિકામાં તો રામમંદિર નિર્માણના નામે પ્રચાર શરૂ કર્યો છે. અમદાવાદ શહેરમાં ચૂંટણી સભા કે પ્રચારમાં જય શ્રીરામના નારા સાથે રામમંદિર નિર્માણના નામે મત માગવામાં આવી રહ્યા છે.

ભાજપના નેતાઓ પણ ફરી એકવાર રામના નામે મત માગતાં પ્રવચનો કરવા લાગ્યાં છે. સામાન્ય રીતે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી ભાજપ વિકાસના મુદ્દે જંગમાં ઊતરી રહી છે, પણ આ ચૂંટણીમાં ભાજપ વિકાસની સાથે હિન્દુત્વનો મુદ્દો પણ ચલાવીને વધુ ને વધુ બેઠકો કબજે કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપની ટક્કર એકલી કાૅંગ્રેસ સામે નથી, આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી સાથે પણ લડવાનું છે, એ સંજાેગોમાં ભાજપ વિકાસની સાથે રામમંદિર નિર્માણનો મુદ્દો ચલાવીને મત મેળવવાની કોશિશ કરી શકે છે.