વડોદરા, તા.૧૭

વડોદરા શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો સૌથી લાંબા ફ્લાય ઓવરની કામગીરીમાં વિલંબના પગલે ભારે ચર્ચામાં રહ્યો છે. ૨૩૦ કરોડના આ પ્રોજેક્ટ પાછળ સરકારે માત્ર ૭૬ કરોડની જ ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે કોન્ટ્રાક્ટરને અન્ય ગ્રાન્ટની રકમ માંથી નાણા ચુકવવાનો વખત આવતા અનેક વિકાસ કામો ઉપર બ્રેક વાગી છે. પરિણામે ફરી એક વખત વડોદરા કોર્પોરેશને આ બ્રિજ માટે અલાયદી ગ્રાન્ટની માંગ કરી હોવાનું જાણવા મળે છે.

શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો કામગીરીમાં વિલંબના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે બ્રિજને રંગરોગાન કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.૩.૫ કિલોમીટર લાંબા ઓવરબ્રિજ ૩ વર્ષમાં બનાવવાનો હતો. પરંતુ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામ બે વર્ષ જેટલો વિલંબ થયો છે. હવે આખરે બ્રિજ બનીને તૈયાર થઈ જતા ટ્રાફિકનું ભારણ ઘટે તેવી શક્યતા છે. જાેકે, ૨૩૦ કરોડના આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર ૭૬ કરોડની ગ્રાન્ટ અપાઈ છે. અગાઉ આ બ્રિજની કામગીરી અટકતા રાજ્ય સરકારે ૧૦૦ કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી પાલિકાને કોઈ રકમ મળી નથી. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં નવા બ્રીજાે માટે ૧૦૪ કરોડની સ્વર્ણિમ ગુજરાત ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટ પૈકીની રકમ માંથી કોન્ટ્રાક્ટરને અત્યાર સુધી ૧૭૦ કરોડની રકમ ચૂકવાઈ હોંવાનુ જાણવા મળે છે.જેથી ફરી મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના હોદ્દેદારોએ સરકારને રજૂઆત કરી બ્રિજ માટે અલગ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે.