લંડન ભણવાનું અને કામની લાલચ આપી મહિલા સાથે ૪૦.૪૮ લાખની છેતરપિંડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   1485

ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમ ગઠિયાઓ પણ છેતરપિંડી માટે અવનવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે. ગઠિયાએ સોશિયલ મીડિયા મારફતે બેંકમાં સ્પે. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા મહિલાનો સંપર્ક કરીને મકાન ખરીદવાના બહાને રૂપિયા ૪૦ લાખ ૪૮ હજાર પડાવી લીધા છે. મહિલાના પિતરાઈ ભાઇ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાની ઓળખ આપીને ગઠિયાએ મહિલાને વિશ્વાસમાં લીધા હતા. મણિનગર વિસ્તારમાં રહેતી મહિલા ૧૦મી ફેબ્રુઆરીએ નોકરી પર હાજર હતા તે દરમિયાન સોશિયલ મીડિયા મારફતે અભિનવ પરાતે નામના વ્યક્તિ તરીકેની ઓળખ આપીને એક યુવકે તેમનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદીના પિતરાઈ ભાઇ સાથે લંડનમાં અભ્યાસ કરે છે, મુંબઈનો રહેવાસી છે અને હાલમાં લંડનમાં ગાડીના શો રૂમમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન ગઠિયાએ તેને ઇન્ડિયામાં મકાન ખરીદવું છે, અને બિઝનેસ પણ શરૂ કરવાનો હોવાથી મકાનની જરૂરિયાત હોવાની વાત કરી હતી. બીજી તરફ મહિલાને પણ મકાન વેચવું હોવાથી તેણે ગઠિયાને જાણ કરતા ગઠિયાએ ૨ કરોડમાં મકાન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ગઠિયાએ મહિલાને ૨જી માર્ચના દિવસે લંડનથી મુંબઈ આવતો હોવાનું કહીને ટિકિટ પણ મોકલી આપી હતી. જાે કે તેણે એમ પણ કહ્યું હતું કે તેને ઇન્ડિયામાં બેંક એકાઉન્ટ નથી, તેની પાસે યુ એસ ડોલર છે, જે એક્સચેન્જ કરવા પડશે, જે બાબતનો કરન્સી એક્સચેન્જ લેટર, ઇન્કમટેક્સ વિભાગનો લેટર, વિઝા એપ્લિકેશન ફોર્મ અને પાસપોર્ટની વિગતો પણ મહિલાને મોકલી આપી હતી. એનજીએસટી સર્ટિફિકેટ મોકલી આપીને રૂપિયા ૮૦ લાખ જીએસટી ભર્યા બાદ મકાનની કિંમત આપી શકશે તેમ જણાવ્યું હતું. જે રકમ હાલ મહિલાને આપવા માટેનું કહેતા મહિલાએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા ૪૦ લાખ ૪૮ હજાર મોકલી આપ્યા હતા. જેની જાણ મહિલાના પતિને ના થાય તે માટે તેણે ચેટ પણ ડિલીટ કરી દીધી હતી. જાે કે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેમણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution