લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026 |
વડોદરા |
2178
વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મહિલાને ખેચ આવતા તેના દાંત ખોલવા ચલણી સિક્કા વડે મોઢું ખોલવા જતા સિક્કો ગળામાં ફસાઈ ગયો હતો. જેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થતા પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશની ગંગા આકાશ રોકડે ( ઉંમર વર્ષ ૨૯)ને ખેંચ આવતા દાંત ખોલવા માટે ચલણી સિક્કાની મદદ લેવામાં આવી હતી. જાે કે સિક્કો સીધો મોઢામાંથી ગળાના ભાગમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર તકલીફ પડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો ન થતા ત્રણ દિવસ પહેલાં તેને સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સારવાર ચાલુ રહી, તેમ છતાં મહિલાનું મોત થઈ ગયું હતું. જાે કે પરિવારજનોનું કહેવું છે કે તેને અગાઉ બીમારી પણ હતી. આ મામલે હાલમાં મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. બાદમાં મહિલાના મોતનું સાચું કારણ જાણવા મળશે. મૃતક ગંગાબેનના સસરા દિનેશ રોકડે એ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બીમાર હતા. તેને ગઠિયા નામનો રોગ હતો જેનાથી જમવાનું જામતું ન હતું અને ઊલટીઓ થતી હતી, સાથે કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. તેની કરોડરજ્જુમાં પાણી ભરાઈ ગયું હતું. તે પાણી પણ કાઢવામાં આવ્યું ન હતું અને તેને બ્રેઈન હેમરેજ જેવું થઈ ગયું હતું. વધુમાં કહ્યું કે, તેને ખેંચ આવ્યા પછી અમે ખરગોન સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે કહ્યું કે સ્થિતિ ગંભીર છે અને કિડનીમાં ઇન્ફેક્શન છે એટલે તમે તેને ઈન્દોર કે બીજે ક્યાંય બહાર લઈ જાવ. બાદમાં અમે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તેઓ સિક્કો મોઢામાં રાખતા ઉતરી ગયો હતો. મૃતક મહિલાને પાંચ વર્ષની દીકરી છે.