પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા ઃ ‘વોટ લેવા આવવા દો, ખબર પાડી દઇશું’
01, જુન 2022 594   |  

વડોદરા, તા.૩૧

વડોદરા શહેરના દંતેશ્વર ગામમાં વચલા ફળિયામાં પાણીના સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ બુસ્ટર પંમ્પિંગ સ્ટેશન ખાતે આવી માટલા ફોડી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.અને પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીનો કાળો કકળાટ યથાવત છે .લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. આજે દંતેશ્વર ગામ વચલા ફળિયામાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા ના કારણે લોકો પરેશાન થયા છે. આ સમસ્યા અંગે વારંવાર સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં, પણ શાસકો અને જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી.

પાણી પ્રશ્ને અનેક વખત રજૂઆતો કરવા છતાં, પ્રશ્ન હલ ન થતાં રોષે ભરાયેલી ગૃહિણીઓએ દંતેશ્વર રામજી મંદિરથી મોરચા સ્વરૂપે નીકળી બુસ્ટર પંમ્પિંગ સ્ટેશન ખાતે આવી માટલા ફોડી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી આવતું નહોવાથી લોકોને વેચાતુ પાણી લાવી દિવસો પસાર કરવાનો વખત આવ્યો છે.મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા એમ પણ કહ્યુ હતુ કે, વોટ લેવા આવવા દો, ખબર પાડી દઇશું. અમે પાણી વગર વલખાં મારી રહ્યા છીએ અને અધિકારીઓ તથા કાઉન્સિલરો ઉંઘ ઉડાડતા નથી. પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો કોર્પોરેશન કચેરીમાં જઇને માટલા ફોડીશું તેવી ચીમકી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution