અમદાવાદમાં એસજી હાઈવે પર નિર્માણાધિન બ્રિજનું પતરું રિક્ષા ઉપર પડતાં શ્રમિકનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026  |   2178

અમદાવાદનાં એસજી હાઇવે પર ક્લબ નજીક ચાલુ બ્રિજના કામ દરમિયાન ડાયવર્ઝન માટે બ્રિજ નીચે લગાવેલા પતરા રીક્ષા પર પડતા રિક્ષામાં સવાર શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. તંત્રની બેદરકારી પર સવાલો ઊભા થયા છે. રિક્ષામાં બિહારથી આવેલા અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિકો સવાર હતા. બ્રિજ નીચે લાગેલું ટ્રાફિક ડાયવર્ઝન માટેનું પતરું રીક્ષા પર પડતા ગંભીર અકસ્માત થયો હતો. વૈષ્ણોદેવીથી સનાથલ તરફ જઈ રહેલી રિક્ષા પર અચાનક પતરું પડતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાં ઘટનાસ્થળ પર તાત્કાલિક સ્થાનિક પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને તમામ પેસેન્જરોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. અકસ્માત દરમિયાન એક શ્રમિકનું મોત થયું છે. બ્રિજના ચાલુ બાંધકામ દરમિયાન સુરક્ષાના માપદંડોના અભાવથી શ્રમિકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું જણાઈ આવે છે. સ્થાનિકોના મતે ડાયવર્ઝન માટે મૂકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ ન કરવામાં આવ્યા હોવાથી રિક્ષા પર પડ્યા હતા. શું તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રકારની ગંભીર બેદરકારી હજુ કેટલા નિર્દોષ લોકોના મોતનું કારણ બનશે તેવો આક્રોશ મૃતકનાં પરિવાર સહિત લોકોમાં જાેવા મળી રહ્યો છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ આરંભી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution