શ્રમિકો ગુજરાતમાં પરત ફરવા લાગ્યાઃ ઉ.ભારતથી આવતી ટ્રેનો 1 મહિના માટે ફૂલ

અમદાવાદ-

લોકડાઉન લાગુ થયા બાદ બેરોજગાર બનેલા પરપ્રાંતિય શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ હવે જેમ જેમ ઉદ્યોગો ફરી શરૂ થઈ રહ્યા છે, રોજી-રોટી માટે શ્રમિકો મોટી સંખ્યામાં ગુજરાતમાં પરત ફરી રહ્યા છે. એવામાં આગામી એક મહિના માટે મુઝફ્ફરપુર, દરભંગા, ગોરખપુર સહિતના ઉત્તર ભારતના અન્ય શહેરોમાંથી અમદાવાદ તથા ગુજરાતના અન્ય મુખ્ય શહેરોમાં આવતી તમામ ટ્રેનો બૂક થઈ ચૂકી છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર ભારતથી ગુજરાત આવતી ટ્રેનો આગામી ચાર અઠવાડિયા માટે ફુલ બૂક થઈ ચૂકી છે. ઘણા લોકો પહેલા દિલ્હી અને ત્યાંથી અન્ય ટ્રેન પકડીને ગુજરાત આવી રહ્યા છે. આવા જ એક પેસેન્જર રાધેશ્યામ યાદવને દરભંગાથી ડાયરેક્ટ અમદાવાદની ટિકિટ મેળવવી મુશ્કેલ હતી, તેઓ દિલ્હીથી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા.

સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા હોવા છતાં બિહારના છપરાથી આવતી તાપી-ગંગા એક્સપ્રેસ ૯મી ઓગસ્ટ સુધી ફુલ બૂક થઈ ગઈ છે. જ્યારે આશ્રમ એક્સપ્રેસના ૮૦ ટકા સ્લીપર ક્લાસ પેસેન્જર અલવર, જયપુર અને અજમેરથી આવી રહ્યા છે. આ તે લોકો છે જે લોકડાઉન દરમિયાન રાજસ્થાન પાછા ફર્યા હતા.

રેલવેના અધિકારીએ જણાવ્યું કે, અઠવાડિયામાં ૩૭ ટ્રેનો દિલ્હી, યુપી અને બિહારથી અમદાવાદ પહોંચી છે. અંદાજ મુજબ આ ટ્રેનો આશરે ૨.૫ લાખ લોકોને પાછા લાવી ચૂકી છે. એસીએસ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, જેવી રીતે ઈન્ડસ્ટ્રીના પ્રોડક્શનની ઝડપી વધી છે, સ્પષ્ટ છે કે ૮૦ ટકા લેબર પાછા ફર્યા છે. ગુજરાતમાં ઘણા લોકોને રોજગારી મળતી હોઈ અમને ખાતરી હતી કે તેઓ પાછા આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution