લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026 |
2277
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા બે અત્યંત મહત્વના ર્નિણય લેવાયા છે. આ ર્નિણયથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબાગાળાનો સુધારો જાેવા મળશે, તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાંને જાેડતા નોન-પ્લાન રસ્તાઓની સુધારણા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂ. ૩,૪૦૦ કરોડની મંજૂરી આપી છે. આગામી સમયમાં રૂ. ૩,૪૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યમાં કુલ ૫,૭૦૦ કિમી નોન-પ્લાન્ડ રસ્તાઓનું રિસર્ફેસિંગ કરાશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લામાં કુલ ૨,૩૪૨ જેટલા કામોને મંજૂરી અપાઈ છે. તેમણે જણાવ્યું હતુ કે, આ ર્નિણયથી રાજ્યના ૬૭ ટકા જેટલા નોન-પ્લાન રસ્તા કવર થઈ જશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પરાં અને અંતરિયાળ વસાહતોની કનેક્ટિવિટી વધશે, જેનાથી નાગરિકોની મુસાફરી વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનશે. જે રસ્તાઓને ૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ રસ્તાઓ પણ આગામી વર્ષે સમાવી લેવાશે. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર નવા રસ્તા બનાવવા જ નહીં, પરંતુ તેની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે સરકારે મેન્ટેનન્સની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. માર્ગોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે હવે ‘આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેસ્ડ કોન્ટ્રાક્ટ’ (ઓપીઆરસી) અને ‘પરફોર્મન્સ બેસ્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ’ (પીબીએમસી) પદ્ધતિ અપનાવવાનો ર્નિણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રૂ. ૨૫ કરોડથી વધુના કામો ઓપીઆરસી હેઠળ થશે. તે માટેનો કરાર ૧૦ વર્ષનો રહેશે, જેમાં ૨ વર્ષ બાંધકામ અને ૮ વર્ષ મેન્ટેનન્સનો ગાળો રહેશે. આ ઉપરાંત રૂ. ૨ કરોડથી ૨૫ કરોડ સુધીના કામોનો પીબીએમસી હેઠળ થશે. પીબીએમસી પદ્ધતિના કામો માટેનો કરાર ૭ વર્ષનો રહેશે, જેમાં ૧ વર્ષ સપાટી સુધારણા અને ૬ વર્ષ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. નવી પદ્ધતિ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, હવે કોન્ટ્રાક્ટરને ચૂકવણી કામની માત્રા પર નહીં, પણ રસ્તાની ગુણવત્તાના આધારે કરાશે. ડામરની સપાટીની સાથે સાઈડ શોલ્ડર, ડ્રેનેજ, રોડ ફર્નિચર-સાઈન બોર્ડ, માર્કિંગ, સ્ટોન વગેરેની જાળવણી પણ કોન્ટ્રાક્ટરે જ કરવાની રહેશે.