15, ડિસેમ્બર 2020
નવી દિલ્હી
આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું પોઇન્ટ ટેબલ બહાર પાડ્યું છે. નવા પોઇન્ટ ટેબલ મુજબ ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાનાં 82.22 ટકા, જ્યારે ભારતના 75 ટકા માર્કસ છે. ન્યૂઝિલેન્ડ 62.5 ટકા પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે.
અગાઉ ટીમ ઈન્ડિયા ટોચ પર હતી પરંતુ આ દરમિયાન આઇસીસીએ નિયમોમાં ફેરફાર કર્યા, જેના કારણે ભારતીય ટીમ બીજા નંબરે આવી. સાથે ઓસ્ટ્રેલિયન ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી. તમને જણાવી દઇએ કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોઇન્ટ ટેબલમાં ફેરફાર પર પ્રશ્નો ઉભા કર્યા હતા.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચ પહેલા કહ્યું, "તે ચોક્કસપણે આશ્ચર્યજનક નિર્ણય છે. અમને કહેવામાં આવ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટોચની બે ટીમો પોઇન્ટના આધારે ક્વોલિફાય થશે અને હવે અચાનક ટકાવારીના આધારે રેન્કિંગમાં આવશે. બદલાવ કરવામાં આવ્યા છે. " તેમણે કહ્યું કે આ કેમ કરવામાં આવ્યું તે સમજવું મુશ્કેલ છે.
માહિતી માટે જણાવી દઈએ કે અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ આ ફેરફાર કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચનારી ટીમોનો નિર્ણય પોઈન્ટની ટકાવારીના આધારે કરવામાં આવશે.