20, ઓક્ટોબર 2020
198 |
અમદાવાદ-
આજે આસો સુદ ચોથના ચોથા દિવસે માતાના ભક્તો માં નવદુર્ગાના જે સ્વરુપને ભજે છે તે છે માતા કુષ્માડાંનું સ્વરુપ. માતા કુષ્માંડાએ પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્તપન્ન કરવાના કારણે માં નવદુર્ગાનું આ ચોથું સ્વરુપ કુષ્માંડા તરીકે પૂજાય છે. માં કુષ્માંડાના પૂજનઅર્ચનથી અનાહત ચક્ર જાગૃત કરીને સિદ્ધયોગીઓ અનેક ફળ મેળવે છે. માતાનું આ સ્વરુપ બધા જ રોગો અને કષ્ટોનો નાશ કરનાર માનવામાં આવ્યું છે, તેમ જ તેમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે.
આપણે નવરાત્રિમાં માં નવદુર્ગાના નવ સ્વરુપ જાણી રહ્યા છીએ ત્યારે એ પણ જાણવું જોઇએ કે કળિયુગમાં સૌથી વધુ પ્રભાવી જે પાંચ દૈવશક્તિ જણાવવામાં આવ્યાં છે. તેમાં દેવી દુર્ગા પંચદેવોમાંથી એક છે. ગણેશજી, શિવજી, વિષ્ણુજી, સૂર્યદેવ અને દેવી દુર્ગા આ પંચદેવ માનવામાં આવે છે. આથી તેમની પૂજા રોજ કરવી જોઇએ. કોઇપણ શુભ કામની શરૂઆત પંચદેવોના પૂજનથી જ થાય છે. દેવી દુર્ગાની પૂજા માટે થોડી ખાસ વસ્તુઓની જરૂર પડતી હોય છે. માતાની, મૂર્તિ હોય તો માતાને સ્નાન કરાવવા માટે તાંબાનું પાત્ર, કળશ. દૂધ, મૂર્તિને અર્પણ કરવામાં આવતા લાલ વસ્ત્ર, આભૂષણ, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, અગરબત્તી, અષ્ટગંધ, ફૂલ, નારિયેળ, મીઠાઈ, પંચામૃત, સૂકો મેવો, ખાંડ, પાન, દક્ષિણા વગેરે. દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવવું જોઇએ. દેવી પૂજામાં આ બધી વસ્તુઓ અર્પણ કરવી જોઇએ. માંની પૂજામાં ધૂપ અને દીપ પ્રગટાવો. લાલ ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરો. ચોખા ચઢાવો. નારિયેળ અર્પણ કરો. ભોગ ધરાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો. દેવીને પૂજનસામગ્રી અર્પણ કરો.
માતા દુર્ગાના નામનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો. પૂજામાં કોઇને કોઇ અશુદ્ધિ રહી હોય તો માતા સમક્ષ દીનહૃદયે માફી માંગવી.
માં ભગવતી નવદુર્ગા કષ્ટોને કાપનાર, આસુરીવૃત્તિઓને હણનાર, સર્વદા યશોદાયિની, મનોકામના પૂર્ણ કરનારા છે, ત્યારે નવરાત્રિની કરેલી શક્તિભક્તિ સાધકઉપાસકને પોતાના જીવનની મુશ્કેલીએ કષ્ટોમાં રાહત
આપનાર નીવડી રહે તેવી સૌ ભક્તોને શુભેચ્છા પાઠવીએ છીએ.