ઇસ્લામાબાદ-

લદાખ સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ પાકિસ્તાનના પ્રવાસે જવાના છે. આ દરમિયાન બંને દેશોમાં સૈન્ય અને વેપાર ક્ષેત્રમાં ઘણા મોટા કરાર થવાની શક્યતા છે. પોતાના પ્રવાસ દરમિયાન જિનપિંગ ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ચીનની વાર્ષિક ઉચ્ચ સ્તરીય રણનીતિક પરિષદની બેઠકમાં પણ ભાગ લેશે.

રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ બીજી વખત પાકિસ્તાન જશે

રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ જિનપિંગનો આ બીજાે પાકિસ્તાન પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015મા ઈસ્લામાબાદના પ્રવાસે ગયા હતા. જિનપિંગનો પાકિસ્તાન પ્રવાસ પહેલા જૂનમાં હતો પરંતુ કોરોના વાયરસના કારણે આ પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦મા ચીનના રાષ્ટ્ર પ્રમુખનો આ બીજાે પ્રવાસ હશે. અગાઉ તેઓ જાન્યુઆરીમાં મ્યાનમારના પ્રવાસે ગયા હતા.

ચીનના સરકારી મીડિયા અનુસાર જિનપિંગના પાકિસ્તાન પ્રવાસને લઈને હજી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી. આ પ્રવાસને ઐતિહાસિક બનાવવા માટે પાકિસ્તાન અને ચીનના અધિકારીઓ સતત બેઠક યોજી રહ્યા છે. 2015મા જ્યારે જિનપિંગ પાકિસ્તાન ગયા હતા ત્યારે ચીન-પાકિસ્તાન ઈકોનોમી કોરિડોરને લઈને બંને દેશોમાં ૫૧ કરાર થયા હતા.