મુંબઇ

કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. કરીના કપૂર આવતા મહિને બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રેગ્નન્સીમાં કરીનાએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ સમયે પણ તેણે યોગ કરવાનું બંધ કર્યું નથી. હાલમાં જ કરીનાએ યોગની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે કરીનાએ ડિલિવરીના અંતિમ સમયે કરવામાં આવતા યોગ કર્યા છે, જેને કારણે મસલ્સ સ્ટ્રોંગ બને છે.


કરીના કપૂરે યોગની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું કે થોડા યોગ...થોડી શાંતિ.

માર્જરી આસાન પ્રેગ્નન્સીના ત્રણ મહિના પૂરા થઈ જાય પછીથી કરવામાં આવે છે. આ આસનમાં કેટ એન્ડ કાઉ પોઝ હોય છે, જે પીઠના સ્નાયુને મજબૂત કરે છે, દુખાવામાં રાહત આપે છે. આ જ પોઝમાં કરીનાએ મોડિફિકેશન કરીને સ્ટ્રેચિંગ કર્યું છે. સ્ટ્રેચિંગ પેલ્વિક મસલ્સને મજબૂત કરવા માટે પણ ફાયદાકારક છે. સાથળના સ્નાયુને મજબૂત કરવા અને દુખાવામાં રાહત મેળવવા માટે આ પ્રકારનું સ્ટ્રેચિંગ કરવામાં આવે છે. કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો. 

કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું. ફિલ્મમાં તેની સાથે આમિર ખાન અને મોના સિંહ પણ છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ઉપરાંત કરીના કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ દેખાશે. ફિલ્મમાં રણબીર સિંહ, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, જ્હાનવી કપૂર, અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર પણ સામેલ છે. કરીનાએ પ્રેગ્નન્સીમાં પોતાનાં બ્રાન્ડ કમિટમેન્ટ્સ પણ પૂરાં કર્યાં હતાં. આટલું જ નહીં તે રેડિયો શોનું પણ કામ કરતી હતી.