બની બેઠેલો યોગગુરૂ પ્રદીપ જાેટંગિયા સુરતનાધોરણપારડી સ્થિત આશ્રમ અને સરથાણાનાં મકાનમાં જાલી ચલણી નોટ છાપતો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026  |   4158

અમદાવાદ : કામરેજનાં ધોરણ પારડી ખાતે તાપી કિનારે આશ્રમ ધરાવતાં બની બેઠેલો યોગગુરુ પ્રદીપ જાલી ચલણી નોટનાં રેકેટમાં ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ગેંગને ઝડપી લીધા બાદ કામરેજના આશ્રમ તથા સરથાણામાં એક સાગરિતને ઘરે દરોડા પાડ્યા હતાં. અહીંથી પણ ૨૮ લાખની ફેક કરન્સી ઉપરાંત જાલી નોટ બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા ૫૦૦ રૂપિયાના દરની ૪૦,૦૦૦થી વધુ નકલી ચલણી નોટ ઝડપી પાડી હતી. ૨.૧૦ કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે મહિલા સહિત ૬ વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, જાલી નોટની હેરાફેરી કરતાં ઝડપાયેલી ટોળકી યોગગુરુ પ્રદીપ માટે કામ કરી રહી હતી. એટલું જ નહીં આ જાલી નોટ સુરતમાં બાનવાઇ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી માહિતી બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાતોરાત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા પ્રદીપ જાેટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી સંચાલિત શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી કેટલાક દસ્તાવેજાે તથા નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરાયા હતાં. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ લઇ શહેરના સરથાણા વિસ્તારમાં શ્યામધામ પાસે આવેલા ક્રિષ્ના રો હાઉસનાં મકાન નંબર ૭૭માં રહેતાં મુકેશ ઠુમ્મરને ત્યાં પણ છાપો મારવામાં આવ્યો હતો. પ્રદીપનાં અંગત અને વિશ્વાસુ કહેવાતાં મુકેશ લાખાભાઇ ઠુમ્મરનાં ઘરમાં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્તપણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૨૮ લાખ રૂપિયાથી વધુની ફેક કરન્સી, જાલી નોટ બનાવવા માટેના પેપર, લેપટોપ અને પ્રિન્ટર, પેપર કટિંગ મશીન, નોટ ગણવાનું મશીન સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુકેશ ઠુમ્મરને પણ લઇ ગઇ હતી. પ્રદીપ જાેટંગિયાનાં આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.જાલીનોટ છાપવા ચીનથી સિક્યુરિટી થ્રેડ અને પેપર મગાવી ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરાતું હતું પોલીસ સૂત્રોનાં કહેવા અનુસાર યોગગુરુ પ્રદીપ તેના આશ્રમમાં જાલી નોટની ટંકશાળ બનાવી ચૂક્યો હતો. જાલી નોટ છાપવા માટે તેઓએ પુરતો અભ્યાસ કરવા સાથે ઝીણામાં ઝીણી માહિતી પણ મેળવી હતી. તેઓએ હાઈ ક્વોલિટીની નોટ છાપવા માટે પેપર ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રથમ સ્પર્શ અને પ્રથમ દ્રષ્ટિએ ઓળખી ન શકાય એવી નોટ તેઓએ બનાવી હતી. આ માટેના પેપર ચાઇનાથી મંગાવવામાં આવતા હતાં. મુકેશની પૂછપરછ દરમિયાન એવી હકિકત બહાર આવી હતી કે, ચાઇનીસ એજન્ટનો સંપર્ક કર્યો હતો. અલી-પે નામની પેમેન્ટ ગેટ વે મારફતે નાણા મોકલી આ સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતાં. આ નાણાંકીય વ્યવહારો ટ્રેસ ન થાય એ માટે ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરાતું હતું. ફેક કરન્સીની વાત બહાર ફેલાય નહીં એ માટે તેઓએ પુરતી તકેદારી રાખી હતી. પ્રદીપ અને તેના અતિ વિશ્વાસુ લોકોને જ આ રેકેટમાં સામેલ કરાયા હતાં. જાલી ચલણી નોટ બનાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે બજારમાં કેવી રીતે ફરતી કરવી એ મુદ્દે પણ પ્રદીપ એન્ડ કંપનીએ સારો એવો સર્વે કર્યો હતો. આમ છતાં તેઓ પહેલી ખેપમાં જ ઝડપાઈ ગયા હતાં.

તાપી કિનારે આવેલા પ્રદીપનાં આશ્રમમાં ચોમેરથી કિલ્લાબંધી: પસંદગીનાં લોકોને જ પ્રવેશ

પ્રદીપ દિલીપ જાેટંગિયા દસેક વર્ષ અગાઉ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરનાં નામે રાજકોટ ક્લાસ ચલાવતો હતો. હાલ તેનો નાનોભાઈ અમિત જાેટંગિયા ત્યાં યોગ ક્લાસ ચલાવે છે. રાજકોટથી સુરત આવી ગયેલા પ્રદીપે અહીં કેટલાક વગદારોનો સંપર્ક કર્યો હતો. પ્રદીપે તેઓને યોગઆશ્રમ રૂપી ધંધાનું પ્લાનિંગ અને નફાનું ગણિત સમજાવ્યું હતું. ઘણાં લોકો પાસેથી ફાયનાન્સ મેળવી પ્રદીપે કામરેજના ધોરણ પારડી નજીક તાપી કિનારે જગ્યા લધી હતી. અહીં તેણે આશ્રમ પણ બનાવ્યો હતો. આ આશ્રમમાં ત્રણ બાજુ પંદર ફૂટથી ઉંચી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાઇ હતી. જ્યારે નદીં તરફનાં છેડે તારનું મજબૂત ફેન્સિંગ કરાયું હતું. કહેવા માટે તો આ આશ્રમ હતો પરંતુ તેમાં પ્રવેશ માત્ર સિલેક્ટેડ લોકોને જ અપાતો હતો. પ્રદીપ ગુરુજી ઈચ્છે એ વ્યક્તિ જ અંદર જઇ શકતો હતો. ચોમેરથી કિલ્લેબંધી વચ્ચે આશ્રમમાં ચાલતી ગતિવિધી કહો કે પ્રવૃત્તિ અંગે કોઇને કશી જાણ ન હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution