તું ગમતી નથી, એવું કહી પતિ પત્નીને ત્રાસ આપવાનું કર્યું શરુ અને પછી..
21, સપ્ટેમ્બર 2020 2970   |  

અમદાવાદ-

અમદાવાદના કિસ્સામાં શહેરના મહિલા પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે કે, તેનો પતિ લગ્નના છ જ માસમાં તે જાડી છે અને ગમતી નથી. તેવું કહીને ત્રાસ આપવા લાગ્યો હતો. સાસુ-સસરા અને પતિ પિયરમાંથી ત્રણ લાખ લાવવાનું દબાણ કરતા હતા. બધું સારું થઈ જશે તે માટે થોડો સમય પિયરમાં રોકાયા બાદ યુવતી સાસરે આવી તો પતિએ તેને મરી જવાની ધમકી આપી હતી. એક દિવસ જયારે યુવતી રિક્ષામાં પરત આવી તો રિક્ષાવાળો ધણી થાય છે તેમ કહી સસરાએ પુત્રવધુના ચારિત્ર્ય પર શંકા કરી અને તેનું જાહેરમાં અપમાન પણ કર્યું હતું. આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીના ત્રણેક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. લગ્નના છ માસમાં જ આ યુવતીને તેના પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. "તું જાડી છે મને ગમતી નથી.. મારા મા-બાપે જબરદસ્તીથી મારા લગ્ન કરાવ્યા છે." એમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં પતિએ નવો ફ્લેટ લેવો છે એમ કહી પત્નીને પિયરમાંથી ત્રણ લાખ લાવવા દબાણ કર્યું હતું. જોકે યુવતીના મા-બાપની પરિસ્થિતિ સારી ન હોવાથી તેને ના પાડી હતી. એટલે એક દિવસ જયારે પિયરમાં કોઈની કારણસર યુવતી ગઈ ત્યારે ઓફિસથી પરત ફરતી વખતે પતિને લઈ જવા કહ્યું હતું. 

પરંતુ આ બધા કારણોસર તે પત્નીને ન લઈ ગયો અને યુવતીએ રીક્ષા કરીને આવવું પડ્યું હતું. રિક્ષામાંથી નીચે ઊતરતાની સાથે જ યુવતીના સસરાએ જાહેરમાં રિક્ષાવાળો તારો ધણી થાય છે? તેમ કહી પુત્રવધૂના ચારિત્ર્ય પર શંકા કરી અને જાહેરમાં અપમાન કર્યું હતું. આ બધી બાબતો વચ્ચે એક દિવસ યુવતીને તેની સાસુએ પણ કહ્યું કે "મારા દીકરાને તું ગમતી નથી, ત્રણ લાખ લઈ આવે તો જ તને સાથે રાખીશું.."તેમ કહી પુત્રવધૂને બીભત્સ શબ્દો બોલ્યા હતા. બાદમાં યુવતીના પતિએ પણ કહ્યું કે, "તું અહીં આવીશ તો હું તો મરી જઈશ." આશરે છ એક માસ પિયરમાં રોકાયા બાદ યુવતીથી સાસરિયાઓનો ત્રાસ સહન ન થતાં તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી કાર્યવાહી આરંભી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution