વડોદરા, તા.૧૧

શહેર નજીક આવેલા અનગઢ ગામના નવાપુરા ખાતે નવા બંધાતા રેલવેબ્રિજના નીચેના સર્વિસરોડ પરથી ગત રાત્રે મિત્રો સાથે પગપાળા અનગઢ ગામમાં માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહેલા યુવકને માતેલા સાંઢની જેમ દોડતા ક્રેઈનના ચાલકે ટક્કર મારીને નીચે પાડી દીધા બાદ તેના માથા પર ક્રેઈનના પૈડા ફેરવી દેતા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. આ બનાવના પગલે એકઠાં થયેલા ટોળાએ ક્રેઈનચાલકને ઝડપી પાડીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેનું તેમજ નજીક પાર્ક કરેલા બે ક્રેઈન સહિત ત્રણ ક્રેઈનની આગચંપી કરી હતી. બનાવની જાણ થતાં નંદેસરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે ક્રેઈનચાલકને ઝડપી પાડયો હતો.

સિંધરોટ ખાતે દાજીપુરા ગામમાં રહેતો ૨૫ વર્ષીય અજીત નટવરભાઈ ગોહિલ ખેતીકામ કરતો હતો. ગઈ કાલે સાંજે તે અને તેના ગામના મિત્રો તેમજ સંબંધીઓ અનગઢ ગામમાં આવેલા મહોણી માતના મંદિરે પગપાળા જવા માટે નીકળ્યા હતા. રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં તેઓ અનગઢ ગામમાં નવાપુરા ખાતે નવા બંધાતા રેલવે બ્રિજના નીચે સર્વિસરોડ પરથી પસાર થતા હતા તે સમયે તેઓની પાછળથી માતેલા સાંઢની જેમ પુરઝડપે આવેલા જીજે-૧૦-સીઈ-૯૯૩૩ નંબરના હાઈડ્રો ક્રેઈનના ચાલક મોહમંદઈરફાન મોહંમદમુન્ના ધોબી (હાલ રહે. એલ એન્ડ ટી ક્વાટર્સ, કોયલી, મુળ બિહાર)એ રોડ સાઈડમાં ચાલતા અજીત ગોહિલને પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો.

અકસ્માતમાં અજીત રોડ પર પટકાતા જ મોહંમદઈરફાને હાઈડ્રો ક્રેઈનના આગળના વ્હીલ અજીતના માથા પર ફેરવી દીધા હતા જેના કારણે અજીતનું માથુ કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. અજીતનું મોત નીપજાવીને ક્રેઈનચાલક મોહંમદઈરફાને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતું અકસ્માતના પગલે ભેગા થયેલા ટોળાંએ તેને ઝડપી પાડી ક્રેઈનના ડ્રાઈવર કેબિનમાંથી બહાર કાઢ્યો હતો અને તેને માર મારીને અધમુવો કરી નાખ્યો હતો. એટલું જ ઉશ્કેરાયેલા ટોળાએ મોહંમદઈરફાનની ક્રેઈનને સળગાવી દીધી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળથી આશરે ૫૦૦ મીટર દુર પાર્ક કરેલી અન્ય બે ક્રેઈનની પણ ટોળાંએ આગચંપી કરી હતી.

અકસ્માતમાં યુવકનું મોત અને વાહનોની આગચંપીના બનાવની જાણ થતાં ગઈ કાલે જ નંદેસરી પોલીસ મથકમં હાજર થયેલા પીઆઈ સ્વપનીલ પંડ્યા તેમજ પીએસઆઈ બી.જી.ચાવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે ક્રેઈનચાલક મોહંમદઈરફાનને ઝડપી પાડી તેને વધુ મારથી બચાવ્યો હતો. પોલીસે ક્રેઈનચાલકને પોલીસ મથકમાં મોકલી આપ્યો હતો તેમજ ઉશ્કેરાયેલા ટોળાંને વિખેરી નાખી મામલો થાળે પાડ્યો હતો. આ બનાવની જાણ થતાં લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને ક્રેઈનમાં લગાવેલી આગ કાબુમાં લીધી હતી. ટોળાએ વાહનોની આગચંપીનો સંદેશો મળતા અન્ય પોલીસ મથકનો સ્ટાફ પણ રાત્રે ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવની મૃતક યુવક અજીતના કાકા નરેશ હરમાનભાઈ ગોહિલે નંદેસરી પોલીસ મથકમાં ક્રેઈનચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

હુમલો અને આગચંપી કરનાર ટોળાં સામે ક્રેઈનચાલકની ફરિયાદ

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જે સ્થળે બનાવ બન્યો ત્યાં એલ એન્ડી ટી કંપની દ્વારા રેલવેના ગુડસ ટ્રેનના લાઈનની કામગીરી ચાલી રહી છે. રાત્રે ક્રેઈનચાલક મોહંમદઈરફાનને ટોળાએ માર મારી કપડા ફાડી નાખ્યા હતા અને ત્યારબાદ ત્રણ ક્રેઈનની આગચંપી કરી હતી. આ બનાવનીમહંમદઈરફાને પણ નંદેસરી પોલીસ મથકમાં હુમલો કરી તેની ક્રેઈન સળગાવી દેનાર ટોળાં વિરુધ્ધ રાયટીંગનો ગુનો નોંધાવ્યો હતો. મોહંમદઈરફાનને ગત રાતના ઘટનાસ્થળથી દુર પાર્ક કરેલી તેના કંપનીની અન્ય બે ક્રેઈનને પણ આગચંપી કરાઈ હોવાની જાણ ન હોઈ તેણે ફરિયાદમાં માત્ર તેની ક્રેઈનને આગચંપીનો ઉલ્લેખ કર્યો હતો.