વડોદરા, તા.૧૯

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાના કારેલીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે ચાલી રહેલી સંસ્કાર અભ્યુદય શિબિરમાં ભાગ લઈ રહેલા યુવાનોને પ્રેરણા આપતા વર્ચ્યુઅલ સંબોધનમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પર્વે દેશસેવાના સંકલ્પો લેવા અનુરોધ કર્યો હતો.

આ સંદર્ભે તેમણે જણાવ્યું કે યુવાનો તા.૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં ઓછામાં ઓછા ૭૫ કલાક દેશની સેવા માટે ફાળવવાનો નિર્ધાર કરે. તેમણે કહ્યું કે સ્વચ્છતા અભિયાનને આગળ વધારવું, પાણી અને વીજળી બચાવવા, લોકોને જનઔષધિ કેન્દ્રોનો લાભ લેતા કરવા, પ્લાસ્ટિકમુક્ત વાતાવરણ ઊભું કરવું આ બધા નાના નાના કામો એ પણ ખૂબ મોટી દેશસેવા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે, આપણા સંતો અને શાસ્ત્રોએ આપણને શીખવ્યું છે કે, સમાજની પ્રત્યેક પેઢીના ચારિત્ર્ય નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે. વડોદરા ખાતે યોજાયેલી આ સંસ્કાર અભ્યુદય શિબિર એ યુવાઓના અભ્યુદયની સાથે સમાજના અભ્યુદયનું પણ પવિત્ર અભિયાન છે. આ પ્રયાસ છે, આપણી પહેચાન અને ગૌરવના અભ્યુદયનો, આપણા રાષ્ટ્રના અભ્યુદયનો છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, ગુજરાતમાં આરંભાયેલા પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનને બિરદાવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જમીનને સુધારવાની અને પ્રકૃતિનું સંરક્ષણ કરવાની તાકાત છે. હું ઈચ્છું છું કે, આ શિબિરમાં જાેડાયેલા યુવાનો આઝાદીના અમૃત પર્વે પોતાની ખેતીને પ્રાકૃતિક ખેતીમાં ફેરવવાનો સંકલ્પ કરે. તેમણે સહજ જીવનમાં સમાજનું ભલું કરવાની ભાવનાનો સમન્વય કરવા જણાવ્યું હતું.

ઉપરાંત યુવાનોને એક વર્ષ સુધી રોકડથી કોઈ ખરીદી નહીં કરવાનો સંકલ્પ કરવા અનુરોધ કરતાં ડિજિટલ કરન્સીમાં જ ચૂકવણી કરવાનો એક નાનો સંકલ્પ ઘણા મોટા પરિણામો આપશે તેમ કહ્યું હતું. જ્યારે

તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતીય જનતા પક્ષે મને વડોદરા અને કાશીની ટિકિટ આપી હતી. આ બંને નગરીઓએ મને પ્રધાનમંત્રીપદનું ગૌરવ આપ્યું છે.

સંસ્થાએ તમામ મુશ્કેલીગ્રસ્તોની સેવા કરી છે ઃ મંત્રી મોરડિયા

કુંડળધામ મારા હૃદયમાં છે અને વડોદરા મંદિરના દર્શનની તક મળી એ મારું ભાગ્ય છે તેવી લાગણી વ્યક્ત કરતા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રી વિનુ મોરડિયાએ જણાવ્યું કે ગુરુજી જ્ઞાનજીવનદાસજી વ્યાસપીઠ પરથી ધર્મ સંસ્કારોના સિંચનની સાથે સામાજિક શિસ્તનું સિંચન કરે છે. ગુરુજીએ કોરોના દરમિયાન કોઈ પણ ભેદ વગર મુશ્કેલીગ્રસ્તોની સેવા કરી છે, જરૂરિયાતવાળાઓને અનાજ, તબીબી સારવાર પૂરી પાડીને સાધુતા સિદ્ધ કરી છે.

સંતોનું સાંનિધ્ય દેશને મોટી પ્રગતિ કરવાની તાકાત આપે છે ઃ સી.આર.પાટીલ

સાત દિવસના સત્સંગ જ્ઞાનયજ્ઞના પવિત્ર મંચ પર આજે રાજ્ય ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રાચીન ભારતની સંસ્કૃતિ સંતો મહંતોથી ટકી રહી છે. તેમનું સાંનિધ્ય દેશને ખૂબ મોટી પ્રગતિ કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે સંતો, મહંતો યુવાનોને દેશ માટે સમર્પણ કરવાની પ્રેરણા આપે છે. રાજ્ય સત્તા ધર્મ સત્તા સાથે સુમેળ જાળવે એ અનિવાર્ય છે. તેમણે જણાવ્યું કે દરેક બાળકમાં વીર શિવાજી, બાપુ કે સરદાર જેવા ગુણવાન અને શીલવાન બનવાની તાકાત છે. સંતો આવી શિબિરો દ્વારા યુવાનોનું સર્વાંગી ઘડતર કરે છે, એમની શક્તિઓને સમાજ કલ્યાણમાં, રાષ્ટ્રનિર્માણમાં જાેડે છે. સંતોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સત્તા અને સમાજની છે.

વડાપ્રધાને વડોદરાના તેમના સાથીઓને યાદ કર્યા

વડોદરા સાથેના સંબંધોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, મેં ઘણો સમય વડોદરામાં વિતાવ્યો છે. મને લાગે છે કે હું વડોદરાની આ સંસ્કાર અભ્યુદય શિબિરમાં રૂબરૂ ઉપસ્થિત રહી શક્યો હોત તો વધુ સારું થાત. આ સ્વામીનારાયણ સંસ્થાનું ચરિત્ર નિર્માણનું વિશાળ અનુષ્ઠાન છે. ભગવાન સ્વામીનારાયણે સ્વપ્રગતિને સર્વેની પ્રગતિનો આધાર બનાવવાનો ઉત્તમ સંદેશ આપ્યો છે, શુદ્ધ બુદ્ધિ અને ઉત્તમ સંસ્કારો સૌનું ઘડતર કરે છે. તેમણે સ્વ.કેશુભાઈ ઠક્કર, જમનાદાસ, કે.કે.શાહ, નલીન ભટ્ટ, મકરંદ દેસાઈ, રમેશ ગુપ્તા સહિતના વડોદરાના સાથીઓને યાદ કર્યા હતા અને સંસ્કારીનગરીના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસની પ્રસંશા કરી હતી.