લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, એપ્રીલ 2026 |
3069
આમ આદમી પાર્ટી છોડનાર રાજ્યસભાના ૭ સાંસદોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભાજપની રાજ્યસભા સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પર પહોંચ્યું છે. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદો વધ્યા છે. રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. નોંધનીય છે કે રાઘવ ચડ્ઢાના નેતૃત્વમાં સાત સાંસદોએ બળવો કરી આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો હતો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણનને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આપ છોડનાર સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે- આ સાંસદ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉપલા ગૃહ માટે ચૂંટાયા છે, પરંતુ બાદમાં તેમણે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થવાનો ર્નિણય કર્યો.સંજય સિંહે કહ્યુ હતું કે આપના સાતેય સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું પક્ષપલટા સમાન છે. આ પંજાબની જનતા અને ભારતના બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે કહ્યું કે જરૂર પડવા પર આમ આદમી પાર્ટી આ મામલામાં કાયદાકીય પગલાં ભરશે.
સ્થિતિ મજબૂત બની: રાજ્યસભામાં ભાજપનો મેજિક ફિગર હવે ૧૧૩ બેઠક પર પહોંચ્યો
રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બની છે. આમ આદમી પાર્ટીના ૭ સાંસદોના વિલયની પ્રક્રિયા બાદ ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને ૧૧૩-૧૧૪ની આસપાસ પહોંચી ગઈ છે. આ ફેરફાર બાદ સત્તાધારી પક્ષ હવે રાજ્યસભામાં નિર્ણાયક બહુમતીની વધુ નજીક પહોંચ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અહેવાલ મુજબ, તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટીના સાત સાંસદોના જૂથના ભાજપમાં વિલયને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પક્ષપલટા વિરોધી કાયદાની જાેગવાઈઓ હેઠળ જાે કોઈ પક્ષના બે-તૃતીયાંશ (૨/૩) સભ્યો બીજા પક્ષમાં જાેડાય અથવા વિલય કરે, તો તેમનું સભ્યપદ રદ થતું નથી. ‘આપ’ ના આ સાંસદોના જૂથના જાેડાવાથી ભાજપને સંખ્યાબળમાં મોટો ફાયદો થયો છે.
ભાજપની તાકાત વધવાથી શું થશે?
સાથી પક્ષોને સાથે રાખીને હવે ભાજપ રાજ્યસભામાં કોઈ પણ બિલ સરળતાથી પસાર કરાવી શકવાની સ્થિતિમાં આવી ગયું છે. આ ઘટનાક્રમ આગામી સમયમાં સંસદમાં રજૂ થનારા મહત્વના કાયદાઓ અને નીતિગત ર્નિણયો પર દૂરોગામી અસર કરી શકે છે. ભાજપ હવે બંધારણીય સુધારા કે અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશે.
સંખ્યાબળનું નવું ગણિત
રાજ્યસભામાં અત્યાર સુધી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નહોતી, જેના કારણે મહત્વના બિલો પસાર કરાવવા માટે પક્ષે પ્રાદેશિક પક્ષો પર ર્નિભર રહેવું પડતું હતું.
વિરોધ પક્ષો માટે ફટકો
આમ આદમી પાર્ટી માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે રાજ્યસભામાં તેમનું કદ હવે નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો માટે પણ ઉપલા ગૃહમાં સરકારને ઘેરવી હવે વધુ મુશ્કેલ બનશે.