અમરેલીના લીલીયામાં સિંહના હુમલામાં યુવકનું મોત :અત્યાર સુધી સાત હુમલા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુલાઈ 2026  |   1782

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં સિંહના હુમલામાં એક યુવકનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ ત્રણ યુવકો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા જંગલ વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન સિંહને ઉશ્કેરવાનો પ્રયાસ થતાં સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને બચાવી શકાયો નહોતો અને તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ચોમાસાનો સમય એશિયાટિક સિંહોના મેટિંગ સીઝનનો મહત્વનો સમયગાળો છે. આ સમય દરમિયાન સિંહો પોતાના વિસ્તાર અને સાથી પ્રત્યે વધુ રક્ષણાત્મક અને સંવેદનશીલ વર્તન દાખવી શકે છે. આવી સ્થિતિમાં તેમની નજીક જવું અથવા તેમને ઉશ્કેરવાનો કોઈપણ પ્રયાસ અત્યંત જાેખમી બની શકે છે.મંત્રીએ લોકોને અપીલ કરી કે સિંહ દર્શનની લાલચમાં ગેરકાયદેસર રીતે જંગલ કે વન્યજીવ વિસ્તારમાં પ્રવેશ ન કરે. સિંહો સાથે હંમેશા સુરક્ષિત અંતર જાળવવું જાેઈએ અને વન વિભાગની સૂચનાઓનું કડક પાલન કરવું જાેઈએ.

વન્યજીવોને ખલેલ પહોંચાડે તેવી કોઈપણ પ્રવૃત્તિ કાયદેસર ગુનો છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.વન વિભાગે જણાવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. જાે કોઈ વ્યક્તિ દ્વારા વન્યજીવ સંરક્ષણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવશે તો સંબંધિત લોકો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના બાદ વન વિભાગે ફરી એકવાર લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં સિંહોના રહેઠાણ વિસ્તારોમાં બિનઅધિકૃત પ્રવેશ, નજીકથી ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી અને વન્યજીવોને ઉશ્કેરવાની પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે જેથી માનવજીવન અને વન્યજીવો બંનેની સુરક્ષા જળવાઈ રહે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution