વેસુનાં એસએમસી આવાસમાં ક્રિકેટ રમતાં યુવકો ઉપર ચપ્પુ-કુહાડીથી હુમલો કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   2178

વેસુમાં જલારામ મંદિર પાસે આવેલા આવાસમાં મધરાતે ટપોરી ટોળકીએ આતંક મચાવ્યો હતો. સુલતાનને શોધવા આવેલા બદમાશોએ સ્થાનિક રહેવાસીઓ સાથે ઝઘડો કરી ત્યાં ક્રિકેટ રમતાં ત્રણ યુવકોને ચાકુના ઘા ઝીંકી દીધા હતાં. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેસુમાં જલારામ મંદિર પાસે આવેલા એસએમસી આવાસમાં શનિ ધર્માભાઇ ગૌસ્વામી તેમના પરિવાર સાથે રહે છે. ટેમ્પો ડ્રાઇવિંગ કરતા શનિ ગૌસ્વામી ગત ૨૭મી તારીખે રાત્રે બાર વાગ્યાની આસપાસ આવાસમાં રહેતાં યુવકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતાં. દરમિયાન એસ.ડી.જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંકયા સૈદાણે તથા આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી વિગેરે મોપેડ તથા બાઇક પર આવ્યા હતાં. આ ટોળકીએ આવાસમાં આવી સુલતાન કહા હૈ એમ પૂછ્યું હતું. સુલતાન અંગે પૂછપરછ કરવા સાથે તેઓએ આવાસના છોકરા સાથે વાદ વિવાદ પણ શરૂ કર્યો હતો. આવાસના રહેવાસીઓએ દાદાગીરી કરતી ટોળકી સાથે માથાકૂટ કરવા માંડી હતી. શોરબકોર શરૂ થતાં આવાસની બહાર ક્રિકેટ રમી રહેલા યુવકો અંદર દોડી ગયા હતાં. તેમણે જાેયું તો સંતોષ આનંદભાઇ જગદેવના પગમાં ચપ્પના ઘા મરાયા હતાં. પંકજ ઉફે પંકયા સૈદાણે, અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય તથા આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી ચપ્પુ લઇને ધાક ધમકી આપતાં દેખાયા હતાં.

આ માથાભારે યુવકો આવાસના રહેવાસીઓ સામે છુટ્ટા હાથે ચપ્પુ ફેરવતાં ફેરવતાં દોડાદોડી કરતા હતાં. તેમણે સનીનાં ભાઇ બોબી ધર્મા ગૌસ્વામીને પકડી લીધો હતો. કોઇ કારણ વિના તેને પણ ચપ્પુનાં ઘા મારવામાં આવ્યા હતાં. આ જાેઈ સની તેને બચાવવા દોડ્યો હતો. જેમાં બદમાશ ટોળકીનાં પ્રથમ નામના યુવકે તેની પાસેની લોખંડની કુહાડીથી પગમાં ઘા મારી દીધો હતો. આ હુમલાને કારણે મધરાતે આવાસમાં આતંકનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ હુમલાખોરોને ઘેરી લીધા હતાં. જાે કે આ દરમિયાન હુમલાખોર ટોળકીના અન્ય સાગરિતો તરુણ પાનપાટીલ, મયુર બાવિસ્કર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહીતે ઉર્ફે બાલો વિગેરે ત્યાં આવી ચઢ્યા હતાં. આ ટોળકીએ આવાસના રહેવાસીઓ સાથે મારામારી કરી અને હુમલાખોર સાથીદારોને ભગાવી ગયાં હતાં. તેઓ ગયા બાદ હુમલામાં ઘવાયેલા સંતોષ જગદેવ, બોબી અને સનીને મૈત્રી હોસ્પિટલ લઇ જવાયા હતાં. જ્યાં તબીબોએ બોબીને જાેતા તેના છાતીનાં ભાગે, ૫ગમાં તથા પીઠનાં ભાગે અને હાથની આંગળીમાં ચપ્પુ વાગ્યાં હતાં. એટલું જ નહીં ડાબા હાથમા મરાયેલા ઉંડા ઘા ના કારણે ચાકુ ફસાઇ ગયુ હતું. તબીબોએ સારવાર શરૂ કરી દરમિયાન ઘટનાની જાણ થતાં વેસુ પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. પોલીસે સની ગૌસ્વામીની ફરિયાદ લઇ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution