21, નવેમ્બર 2020
891 |
મુંબઇ
યુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદેશ હેરાન કરવાનો છે.
જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું.
જવાબમાં આગળ લખ્યું છે કે, 'સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.'