નવી દિલ્હી:આજે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન રાહુલે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણનો ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, અમે અમારા વડાપ્રધાનને શપથગ્રહણ માટે આમંત્રણ આપવા વિદેશ મંત્રીને મોકલતા નથી. જાે આપણા દેશમાં સારી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોય, જાે આપણે ટેક્નોલોજી પર કામ કરતા હોત, તો અમેરિકન રાષ્ટ્રપતિ પોતે અહીં આવીને વડાપ્રધાનને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપી શક્યા હોત. જેના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું કે, રાહુલ ગાંધી ગયા વર્ષે તેમની યુએસ મુલાકાત વખતે લોકસભામાં ખોટું બોલ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ ડિસેમ્બર ૨૦૨૪માં વિદેશ મંત્રી અને બાઇડન પ્રશાસનના એનએસએને મળ્યાં હતા. દરમિયાન પીએમ મોદીને અમેરિકન આમંત્રણને લઈને કોઈ ચર્ચા થઈ નથી.
જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી વિશ્વના નેતાઓના શપથ ગ્રહણ સમારોહ કે આવા કાર્યક્રમોમાં હાજરી આપતા નથી. રાજદૂતો દ્વારા આવા કાર્યક્રમોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. વિપક્ષી નેતાના આવા નિવેદનોથી વિદેશમાં ભારતની છબીને નુકસાન થયું છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, હું બાઇડન પ્રશાસનના વિદેશ મંત્રી અને એનએસએને મળવા ગયો હતો. ત્યાં મેં અમારા રાજદ્વારીઓની બેઠકની અધ્યક્ષતા પણ કરી. આ પછી તત્કાલિન વિદેશ મંત્રી અને એનએસએ મને મળ્યા.
ભાજપના સાંસદોએ ગૃહમાં રાહુલના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ લોકસભામાં વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન દેશોની સરકારોને પીએમ મોદીને આમંત્રણ આપવા માટે ‘વિનંતી’ કરે છે. ૩ ફેબ્રુઆરીના રોજ, ભાજપના સાંસદોએ ગૃહમાં રાહુલ ગાંધીના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, વિપક્ષી નેતાએ આવા નિવેદનોથી બચવું જાેઈએ. કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે, જાે આપણી ઉત્પાદન વ્યવસ્થા સારી હોત, તો વિદેશ મંત્રીને વિદેશ જઈને વારંવાર વડા પ્રધાનને અમેરિકન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવા વિનંતી ન કરવી પડી હોત.