દિલ્હી-

દેશમાં 1લી નવેમ્બરથી એલપીજી બૂકિંગ અને ડિલિવરી તેમજ બેન્કિંગ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. હવેથી એક તરફ એલપીજી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની પદ્ધતિ બદલાઈ જશે તો બીજીબાજુ રેલવેની ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાઈ રહ્યું છે. વધુમાં બેન્કિંગના કેટલાક નિયમો પણ બદલાઈ રહ્યા છે. બેન્ક ઓફ બરોડામાં 1લી નવેમ્બરથી તેનો અમલ શરૂ થશે જ્યારે બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, એક્સિસ અને સેન્ટ્રલ બેન્ક ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરશે.

એલપીજી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની પદ્ધતિ બદલાઈ જશે 

દેશમાં 1લી નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની પદ્ધતિ બદલાઈ રહી છે. હવે ગેસ બૂકિંગ કરાવ્યા પછી ગ્રાહકોને મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. ડિલિવરી માટે વેન્ડર ઘરે પહોંચે ત્યારે તેને આ ઓટીપી નંબર આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકોને સિલિન્ડરની ડિલિવરી કરાશે. વધુમાં 1લી નવેમ્બરે એલપીજી ગેસના નવા ભાવ જાહેર થવાની સંભાવના છે. ઑક્ટોબર મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયા નહોતા. 

1લી નવેમ્બરે એલપીજી ગેસના નવા ભાવ જાહેર થવાની સંભાવના 

જોકે, કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો હતો. ભારતીય રેલવે 1લી નવેમ્બરથી સમગ્ર દેશની ટ્રેનોના ટાઈમ ટેબલ બદલી રહી છે. અગાઉ ટ્રેનોનું ટાઈમ ટેબલ 1લી ઑક્ટોબરથી બદલાવાનું હતું. જોકે, આ કામગીરીને એક મહિનો પાછી ઠેલવામાં આવી હતી. કોરોનાકાળમાં હાલ સામાન્ય ટ્રેનોની સુવિધા બંધ છે અને વિશેષ ટ્રેનો જ દોડાવાઈ રહી છે. 

ટ્રેનનું ટાઇમ ટેબલ બદલાઈ જશે 

ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. 1 નવેમ્બરથી ભારતીય રેલવે દેશભરની ટ્રેનોના ટાઇમ ટેબલને બદલવા જઈ રહ્યું છે. 1 નવેમ્બરથી ટ્રેનોનું નવું ટાઇમ ટેબલ બહાર પાડવામાં આવશે. આ પગલાથી 13 હજાર મુસાફરો અને 7 હજાર માલવાહક ટ્રેનોનો સમય બદલાશે. 1 નવેમ્બરથી દેશની 30 રાજધાની ટ્રેનોના ટાઇમ ટેબલ પણ બદલવામાં આવશે તેમજ તેજસ એક્સપ્રેસ ચંદીગઢથી નવી દિલ્હી વચ્ચે દોડશે અને 1 નવેમ્બરથી દર બુધવારે ઊપડશે. 

SBI સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે 

1 નવેમ્બરથી SBIના કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમોમાં પરિવર્તન આવશે. SBIના સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે. હવે 1 નવેમ્બરથી જે સેવિંગ બેંક અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની જમા થયેલી રકમ પર વ્યાજનો દર 0.25%થી ઘટીને 3.25% કરવામાં આવશે, જ્યારે 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ પર હવે રેપો રેટ પ્રમાણે વ્યાજ મળશે. 

ઈન્ડેન ગેસ બુકિંગનો નંબર બદલાઈ ગયો 

ઈન્ડેન ગેસનો બુકિંગ નંબર બદલાઈ ગયો છે. જો તમારે તમારો રાંધણ ગેસ સિલિન્ડર બુક કરાવવાનો હોય તો 1 નવેમ્બરથી નવા નંબર પર બુકિંગ સ્વીકાર થશે. જૂના નંબર ગેસ બુક થઈ શકશે નહીં. ઈન્ડેને પોતાના LPG ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેસ બુકિંગ માટે નવો નંબર મોકલ્યો છે. જેના દ્વારા ગેસ સિલિન્ડર રિફિલ માટે બુકિંગ કરાવી શકો છો. ઈન્ડિયન ઓઈલે જણાવ્યું કે પહેલા રાંધણ ગેસ બુકિંગ માટે દેશના અલગ અલગ સર્કલ માટે અલગ અલગ મોબાઈલ નંબર રહેતા હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર બહાર પાડ્યો છે. ઈન્ડેન ગેસના દેશભરના ગ્રાહકોને LPG સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 નંબર પર કોલ કરવો પડશે અથવા SMS મોકલવો પડશે. 

કેરળમાં MSP યોજના લાગુ થશે 

કેરળ સરકારે શાકભાજીનો આધાર ભાવ નક્કી કર્યો છે. આ સાથે, કેરળ શાકભાજી માટે ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ (MSP) નક્કી કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. શાકભાજીનો આ લઘુતમ અથવા આધાર ભાવ ઉત્પાદનખર્ચ કરતાં 20% વધુ હશે. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનએ કહ્યું હતું કે આ યોજના 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. 

બેન્ક ઓફ બરોડામાં આજથી રૂપિયા જમા કરાવવા-ઉપાડ પર ચાર્જ વસૂલાશે 

બેન્ક ઓફ બરોડામાં 1લી નવેમ્બરથી તેનો અમલ શરૂ થશે જ્યારે બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, એક્સિસ અને સેન્ટ્રલ બેન્ક ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરશે. બેન્કોમાં હવે રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાની મફત સેવા ખતમ થઈ રહી છે. બેન્ક ઓફ બરોડામાં 1લી નવેમ્બરથી સેવિંગ્સ એકાઉન્ટધારકો માટે એક મહિનામાં ત્રણ વખત રૂપિયા જમા કરાવવા નિ:શુલ્ક છે. તમે એક મહિનામાં ચોથી વખત બેન્કમાં રૂપિયા જમા કરાવવા જશો તો રૂ. 40નો ચાર્જ ચૂકવવો પડશે જ્યારે ખાતામાંથી ત્રણ વખત રૂપિયા ઊપાડવા નિ:શુલ્ક છે. ચોથી વખત રૂપિયા ઉપાડવા પર ગ્રાહકોએ દરેક વખતે રૂ. 100નો ચાર્જ ચૂકવવો પડશે. એ જ રીતે કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં ગ્રાહક દૈનિક એક લાખ રૂપિયા જમા કરાવે તો તેના માટે આ સુવિધા નિ:શુલ્ક રહેશે. પરંતુ એક લાખ રૂપિયાથી વધુની રકમ માટે ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડશે.