લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
1881
વર્ક પરમીટ વિઝાનું કામ કરતી યુવતીને ફેસબુક પર મોહાલી અને દિલ્હીના ચીટરનો ભેટો થઈ ગયો હતો. ૧૬ વ્યક્તિનાં વિઝાનું કામ કરાવી આપવાનું કહી એ બંનેએ યુવતી પાસે ૧૦.૭૮ લાખ પડાવી લીધા હતાં. પાલનપુર કેનાલ રોડ ઉપર નક્ષત્ર સોલીટેર એપાર્ટમેન્ટમાં રહેતી મમતા વાઘેલા પાસપોર્ટ અને વિઝાનું કામ કરે છે. ફેસબુક પર સેન્ટીફ ગૃપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની આઇડી જોવા મળી હતી. તેઓ પણ વિઝા તથા ઇમિગ્રેશનના કામ કરતા હોય મમતા વાઘેલાએ તેમની સાથે વાત કરી હતી. આ કંપનીની આરતી શર્માએ કહ્યું હતું કે, અમે હાલ કેનેડા છીએ, અમારી ઓફિસ મોહાલી ખાતે આવેલી છે. આ વાત થઇ ત્યારે મમતા વાઘેલા પાસે ચાહી પટેલ અને પાર્થ પટેલના કેનેડાના વર્ક પરમિટ વિઝાનું કામ હતું, જેથી આ કામ તેમણે આરતી શર્માને સોંપ્યું હતું. શર્માએ રજીસ્ટ્રેશન ફી પેટે ૯,૯૯૯ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. ત્યારબાદ તેઓએ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પાર્થ પટેલ તથા ચાહી પાર્થ પટેલનાં વીનપેક કંપનીના એપોઈમેન્ટ લેટર મોકલ્યા હતાં. ઝડપથી કામ થયું હોય મમતા વાઘેલાએ બીજા ક્લાઇન્ટ હેમાલી જરીવાલા, ભારતી કબરી, દિપક સીંગ, અભીષેક મેહતા, ધર્મેન્દ્રસિંહ ચંપાવત, ભાવીન અમીન,સાવનકુમા૨ કનૈયાલાલ પટેલ, વિનય મોરડીયા, યાગ્નીક સવાણી, પાર્થ પટેલ, જૈનમકુમાર શાહ, કેતનકુમાર કાપડીયા, તન્વી મુલચંદાની, મીલન સારુંગનાં કેનેડાના વર્ક પરમિટ વિઝાનું કામ પણ આરતી શર્માને આપ્યું હતું.
તમામના ડોક્યુમેન્ટ વોટ્સએપ ઉપર આરતી શર્માને મોકલી દેવાયા હતાં. ફાઇલ ચેક કરી તેણીએ તમારું કામ થઇ જશે તમારે આગળ ની પ્રોસેસ કરવા માટે ક્લાયન્ટ દીઠ ૫૨,૦૦૦ એમ્બેસીની ફી તથા ૫૦૦૦ રજીસ્ટ્રેશન ફી ભરવા કહ્યું હતું. જેથી મમતાએ કુલ ૬,૯૨,૦૦૦ રૂપિયા તેને ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ આરતીએ ચાર ક્લાયન્ટને વીનપેક, અન્ય ચારને ટર્નર તથા બે જણાને હેમ્પ્ટન બાય હિલ્ટોન કંપનીના લેટર ઓફ એસેપ્ટન્સ મોકલ્યા હતાં. ત્યારબાદ આરતી શર્માને વિઝાના એગ્રીમેન્ટ તથા એલ.એમ.આઈ.એ. લેટર માટેની વાત કરતાં તેણે બહાનાબાજી કરવા માંડી હતી. ત્રણ મહિના સુધી કામ નહીં થયું અને આરતીનો ફોન પણ બંધ થઇ ગયો હતો. મમતાએ તેના પાર્ટનર ભીમસિંહ રાઠોડને તપાસ માટે મોહાલી મોકલતાં આરતીએ જણાવેલા સરનામે કોઈ ઓફિસ મળી ન હતી. આરતી શર્માને કામ આપવા દરમિયાન મમતા વાઘેલાને ફેસબુક પર વિઝા અને ઇમિગ્રેશનનું કામ કરતાં સંજયસિંહની આઇડી જોવા મળી હતી. પ્રિતમપુરા, નોર્થ દિલ્હીમાં ઓફિસ ધરાવતા હોવાનું કહી સંજયસિંહ ર્ગુષિન્દરસિંહે જણાવ્યું હતું કે, અમારી સાથે કામ કરશો તો વિઝા મળી ગયા બાદ પેમેન્ટ આપવાનું રહેશે. જેથી મમતા કામ કરવા તૈયાર થઇ હતી. તેણીએ જાનવિકા હાદિર્ક ગોપાણી તથા કેતન રામભાઈ મોઢવાડીયાનું યુકેનાં વિઝાનું કામ સંજયસિંહને આપ્યું હતું. ત્યારબાદ સંજયસિંહે એવું કહ્યું હતું કે બંનેનાં ફોર્મ સાથે મારા એકાઉન્ટમાંથી પૈસા ભર્યા હતાં. પરંતુ તે રીજેક્ટ થાય છે જેથી તમો તમારા બંને ક્લાઈન્ટને મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહો. તેણે ઘણી ટેકનિકલ સમસ્યા જણાવતાં મમતાએ તેને ૩,૭૬,૩૦૦ રૂપિયા ટ્રાન્સફર આપ્યા હતાં. ત્યારબાદ સંજયસિંહે વધુ પૈસાની માંગણી કરવા માંડતાં મમતાએ ના પાડી દીધી અને પછી સંજયસિંહે ફોન બંધ કરી દીધો હતો. જેથી મમતાએ ઓનલાઇન ફ્રોડ કરનાર આરતી શર્મા અને સંજયસિંહ સામે ફરિયાદ આપી હતી.