૧૦ દુકાનો સીલ, ૧.૪૯ લાખનો દંડ વસૂલાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026  |   2970

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જાહેર માર્ગો પર ગંદકી કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રવિવારે હાથ ધરાયેલી સઘન તપાસમાં અનેક જાણીતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી હતી. સોલિડ વેસ્ટ વિભાગની ટીમોએ ઘાટલોડિયા અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં કુલ ૧૩૫ જેટલા એકમોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી જાહેર માર્ગો પર ન્યૂસન્સ કરતા, ડસ્ટબિન ન રાખતા અને પ્લાસ્ટિકના નિયમોનો ભંગ કરતા ૧૧૨ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોર્પોરેશને ૯ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું અને કુલ રૂ. ૧,૪૯,૬૦૦નો વહીવટી દંડ વસૂલ્યો હતો. તંત્ર દ્વારા નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ ઘાટલોડિયા અને બોડકદેવના કુલ ૧૦ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયાના ગજાનંદ એલ્યુમિનિયમ, રિધમ પાન પાર્લર, લેમન ટી કોફી સ્ટોર, અનિતા કોર, કે.ડી. ગૃહ ઉદ્યોગ અને વિશ્વકર્મા ગ્રેનાઈટનો સમાવેશ થાય છે. જ્યારે બોડકદેવ વિસ્તારમાં ટેસ્ટ ઓફ એગ, હારી ઓમ છોલે પૂરી, સ્વિગી ઈન્સ્ટા માર્ટ અને કૃષ્ણા ડીલક્સ પાન પાર્લર સામે સીલિંગની કાર્યવાહી કરાઈ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરીજનોના સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ખાસ સવાર અને સાંજની સ્ક્વોડ કાર્યરત કરવામાં આવી છે. જે વેપારીઓ જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution