વર્ષ ૨૦૦૨ રમખાણ કેસમાં ૧૧ આરોપી નિર્દોષ જાહેર, અમદાવાદની મેટ્રો પોલિટીન કોર્ટનો ચૂકાદો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026  |   2178

વર્ષ ૨૦૦૨ના ગોધરા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોના અનેક કેસોમાંથી એક મહત્વપૂર્ણ કેસમાં હવે લાંબા સમય બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદના માધવપુરા વિસ્તારમાં નોંધાયેલા રમખાણ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે ૧૧ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. મે ૨૦૦૨માં દિલ્હી દરવાજા અને માધવપુરા વિસ્તારમાં લગભગ ૨૦૦૦ જેટલા લોકોનું ટોળું ભેગું થયું હતું. આ ટોળાએ લઘુમતી કોમ સામે હુલ્લડ મચાવ્યો હતો, અને પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા. પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિ વધુ ઉગ્ર બનતા વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. અંતે પોલીસે અશ્રુગોળા છોડ્યા અને હવામાં ફાયરિંગ કરીને ટોળાને કાબૂમાં લીધું હતું.

આ ઘટનામાં પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો હતો. જાેકે સમય જતાં આ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન બે આરોપીઓનું અવસાન થયું હતું, જ્યારે ઘણા સાક્ષીઓ કોર્ટમાં હાજર રહી શક્યા નહોતા. બનાવને લગભગ ૨૩ વર્ષ વીતી જતા સાક્ષીઓને સમન્સ મોકલાયા છતાં તેઓ મળી શક્યા નહોતા. સાથે જ કેસના મુખ્ય ફરિયાદી પીએસઆઇનું પણ અવસાન થઈ ગયું હતું, જેના કારણે પુરાવાની મજબૂતી પર અસર પડી હતી. આ પરિસ્થિતિમાં કોર્ટ સમક્ષ માત્ર મર્યાદિત સાક્ષી અને પુરાવા જ રહ્યા હતા. અમદાવાદ મેટ્રો કોર્ટે ચાર સાક્ષી અને ચાર પુરાવાના આધારે સુનાવણી પૂર્ણ કરીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અરજદારના વકીલ ડી.જે.પરમારે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, લાંબા સમયગાળાના કારણે પુરાવા અને સાક્ષીઓ ઉપલબ્ધ રહેતા નથી, જેનાથી કેસને મજબૂત રીતે સાબિત કરવો મુશ્કેલ બને છે. કોર્ટે ઉપલબ્ધ પુરાવાના આધારે યોગ્ય ર્નિણય આપ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution