લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
વડોદરા |
1881
કોંકણ રેલવે કોર્પોરેશન લી.માં કાયમી નોકરી અપાવવાના બહાને રેલવે કર્મચારી સહિતની ટોળકીએ ૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ જેટલી માતબર રકમ પડાવ્યા બાદ તેઓને બોગસ ઓફર લેટર આપી અને ભાંડો ફુટવા છતા નાણાં પરત નહી આપી ઠગાઈ કરતા સમગ્ર બનાવની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ડભોઈરોડ પર વૈષ્ણવ કુટિર સોસાયટીમાં રહેતા સુનિલ કામડીને તેમના પાડોશી ચિરંજીવ ખરાડીએ ગત નવેમ્બર-૨૦૨૫માં જાણ કરી હતી કે પ્રતાપનગર ડીઆરએમ ખાતે આવેલા વર્કશોપમાં આકાશ સંજય ચૈાહાણ (ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર) કોંકણ રેલવે કોર્પોરેશન લી.ના કોન્ટ્રાક્ટમાં સુપરવાઈઝર છે અને હાલ કોંકણ રેલવેમાં કોન્ટ્રાક્ટમાં ભરતી ચાલું છે અને જેથી તમારે નોકરી કરવી હોય તો કહેજાે આકાશ મારી ઘરે આવવાનો છે તમે તેને મળી લેજાે.
ત્યારબાદ ગત ૧લી નવેમ્બરે બપોરે સુનિલની સોસાયટીમાં આવેલા આકાશે સુનિલને પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે વર્કશોપમાં કોંકણ રેલવે કોર્પો. લી.માં ભરતીનો ઓફર લેટર બતાવી જણાવ્યું હતું કે રેલવે વર્કશોપમાં કોંકણ રેલવેમાં કોન્ટ્રાક્ટમાં નોકરી માટે કોંકણ રેલવેના અધિકારી પવાર સાહેબને ૫૦ હજાર આપવા પડશે. સુનિલે તેની હાં પાડી ૫૦ હજાર આપ્યા હતા જે બાદ તેને ૧૦મી નવેમ્બરે ડીઆરએમ ઓફિસ પ્રતાપનગર ખાતે વર્કશોપમાં બોલાવી જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ચાલતી કામગીરીની વિઝીટ કરવાનું કામ સોંપાયું હતુ. આ ફરજ દરમિયાન સુનિલને જાણ થઈ હતી કે તેના જેવા અન્ય ૧૦૯ યુવકોને પણ આકાશે કોન્ટ્રાકટ પર નોકરીએ રાખી કુલ ૫૮.૯૮ લાખ રૂપિયા લીધા છે.
આકાશે કોંકણ રેલવેના મોટા સાહેબ સીસીટીવી કેમેરામાં જાેઈને હાજરી પુરે છે તેમ જણાવ્યું હતું પરંતુ ઓફર લેટર, આઈડી કાર્ડ આપ્યા નહોંતા. એટલુ જ નહી તેણે કોંકણ રેલવે કોર્પો.લી.ના સ્ટેમ્પ પેપર પર બોગસ ઓફર લેટર આપ્યા હતા પરંતું બે મહિના સુધી પગાર આપ્યો નહોંતો.
આ ઓફર લેટર બોગસ હોવાની જાણ થતાં તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ નોકરી માટે આપેલા નાણાની પરત માગણી કરી હતી પરંતું તેમને નાણાં પાછા મળ્યા નહોંતા. આ બનાવની સુનિલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આકાશ ચૈાહાણ અને પવાર સાહેબ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.