લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
1485
સચીનમાં લાજપોર ખાતે આવેલ ડિલિવરી કંપનીમાં નોકરી કરતાં પાંચ કર્મચારીઓએ પાર્સલનાં ઓર્ડરમાં અદલાબદલી કરી ૧૭.૪૫ લાખ રૂપિયાની ઉચાપત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર એમેઝોન ઉપર ગ્રાહકો દ્વારા કરાતાં ઓર્ડરની ડિલિવરી કરતી આઈડેન્ટિફાઈ પ્લસ ડીલીવરી સર્વીસ પ્રા.લી. કંપની સચિનનાં લાજપોર ખાતે કાર્યરત છે. વિશ્વકર્મા કોમ્પલેક્ષમાં તેની ઓફિસ છે. કંપનીનાં ગુડગાંવ સ્થિત હેડક્વાર્ટરમાં પ્રદીપ બીરેન્દ્રસિંહ યાદવ સીકયોરિટી હેડ તરીકે નોકરી કરે છે. કંપનીની સચિન સ્થિત શાખામાં કલસ્ટર મેનેજર તરીકે સૂર્યપ્રકાશ રામાનંદ પ્રજાપતિ (રહે, મારૂતી નગર વિજલપુર નવસારી), હબ ઇન્ચાર્જ તરીકે કપીલકુમાર કનૈયા મહતો (રહે, ગજાનંદ કોમ્પલેક્ષ સ્ટેશન રોડ સચિન) કામ કરે છે. આ બંને દ્વારા પાર્સલ ડિલિવરી કરવા માટે એજન્ટ નિમણુંક કરવામાં આવે છે. જેમાં ટીમ લીડર તરીકે અભિનંદન અશોકકુમાર તિવારી (રહે, અંબીકાનગર શિવ દ્રષ્ટિ રેસિડેન્સી પાસે પારડી કણદે) જ્યારે એજન્ટ તરીકે નઝીમ નઇમ પટેલ (રહે, ડુંભાલ ટેનામેન્ટ), મનીષ વસંતભાઇ જગતાપ (રહે, સુડા સહકા૨ રેસિડેન્સી કુંભારીયા) તથા હબ સ્ટાફ તેમજ અન્ય ડિલિવરી એજન્ટ તરીકે કુલ-૨૦ માણસો નોકરી કરે છે. દરમિયાન એમેઝોન કંપની તરફથી એવી ફરિયાદ મળી હતી કે, કેન્સલ થયેલા પાર્સલની અંદરનો સામાન બદલી નાંખી ડમી પાર્સલ પરત મોકલવામાં આવી રહ્યાં છે. જેથી આઈડેન્ટિફાઈ પ્લસ ડિલિવરી સર્વીસ પ્રા.લી. કંપની તરફથી તપાસ શરૂ કરાઇ હતી. જેમાં પાર્સલનાં સામાનમાં ઘાલમેલ ઉપરાંત કેશ ઓન ડિલિવરીનાં પાર્સલમાં રોકડનો ગફલો પણ બહાર આવ્યો હતો. ટોટલ હિસાબમાં કુલ ૧૭,૪૫,૫૩૦ રૂપિયા કિંમતનો ગોટાળો બહાર આવતાં પ્રદીપ યાદવે આ કાંડ કરનારા કલસ્ટર મેનેજર સૂર્યપ્રકાશ રામાનંદ પ્રજાપતિ, હબ ઇન્ચાર્જ કપિલ કનૈયા મહંતો, ટીમ લીડર તરીકે અભિનંદન અશોકકુમાર તિવારી તથા ડીલીવરી નઝીમ નઇમ પટેલ અને મનીષ વસંતભાઇ જગતાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.