કરોડોમાં ઉઠમણું કરનાર અગ્રવાલ સામે એમ્બ્રોઇડરી ૧૯ કારખાનેદારો દ્વારા ૧.૮૯ કરોડના ફ્રોડની ફરિયાદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026  |   1881

કરોડો રૂપિયામાં ઉઠમણું કરનાર રિંગરોડ સ્થિત સાંઈ દર્શન માર્કેટની પેઢી જય જીન ફેબ સામે હવે એમ્બ્રોઇડરી કારખાનેદારોએ ૧.૮૯ કરોડના ચીટિંગની ફરિયાદ નોંધાવી છે. અમરોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર શિક્ષાપત્રી હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં પવન ધીરુભાઈ ચાંદપરા એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. દેવમ એમ્બ્રો પાર્કમાં તેઓનું સીયારામ એમ્બ્રો આર્ટ નામે ખાતુ છે. તેઓ આ કારખાનામાં જુદા જુદા વેપારીઓ માટે જોબવર્ક કરે છે. વેપારીઓ પાસે કામ અપાવતાં દલાલ સુરેશ લાખણકીયા સાથે તેમને ત્રણેક વર્ષથી પરિચય હતો.

 બે વર્ષ પહેલા સુરેશ લાખણકીયાએ જણાવ્યું હતું કે, સલાબતપુરા રીંગરોડ સાંઇદર્શન માર્કેટમાં જય જીન ફેબના પ્રોપરાઇટર નિતેશ સાવમલ અગ્રવાલ નાઓ કાપડનો વેપાર ધંધો કરે છે અને તેઓનુ ગોડાઉન શ્રીરામ આર્કેડ, તેરાપંથ ભવનની સામે, આંજણા ફાર્મ ખાતે છે. તેમની સાથે કામ કરશો તો મોટુ કામ અને સમયસર પેમેન્ટ મળશે. ત્યારબાદ સુરેશે નિતેશ અગ્રવાલ સાથે ચાંદપરાની મિટિંગ કરાવી હતી. અગ્રવાલે કહ્યું હતું કે, અમો ઘણા સમયથી માર્કેટમાં આ ગ્રે કાપડ તથા એમ્બ્રોડરી જોબ વર્ક તથા ડાયમંડ સ્ટોન, સીલાઈ ટીચીંગ વિગેરેનો ધંધો કરીએ છીએ, ઉપરાંત સાડીમા એમ્બ્રોડરી જોબ વર્ક કરાવી અને ડાયમંડ સ્ટોનનુ કામકાજ કરીએ છીએ. તમે અમારા માટે આ કામ કરી આપશો તો સમયસર પેમેન્ટ કરી દઇશું. દલાલ સુરેશ લાખણકીયાએ પેમેન્ટની જવાબદારી લેતાં પવન ચાંદપરાએ કામ કરવા માંડ્યું હતું. તેમણે નવેમ્બર ૨૦૨૫થી મે ૨૦૨૬ સુધીમાં કુલ ૪૮,૦૬,૩૭૩ નું જોબવર્ક કર્યું હતું, જો કે તેમાં એક પણ રૂપિયો પેમેન્ટ અગ્રવાલે ચૂકવ્યું ન હતું. ચાંદપરાએ દલાલ સુરેશને વાત કરી તો તેણે ગલ્લાંતલ્લાં કર્યા હતાં. ચાંદપરા અગ્રવાલને મળવા તેમની દુકાને ગયા તો ત્યાં તાળું જોવા મળ્યું હતું,

માર્કેટમાં તપાસ કરાતાં જાણવા મળ્યું હતું કે, નિતેશ અગ્રવાલે દલાલ સુરેશભાઈ લાખણકીયા તથા અન્ય મુકેશભાઈ પોપટભાઈ બલ્લર મારફત ઘણાં કારખાનામાં જોબવર્ક કરાવી પેમેન્ટ ચૂકવ્યું નથી. ચાંદપરાને એવા ૧૮ કારખાનેદાર પણ મળ્યા કે જેમનું ૧,૪૧,૫૦,૯૮૪ રૂપિયા પેમેન્ટ અગ્રવાલમાં સલવાયું હતું. આ રીતે કુલ ૧.૮૯ કરોડ પેમેન્ટ નહીં ચૂકવી ઉઠમણું કરી ફરાર થઇ ગયેલા અગ્રવાલ અને તેના બે દલાલ સામે કારખાનેદારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગ્રે ઉલ્લેખનીય છે કે, અગ્રવાલ સામે સલાબતપુરા પોલીસ મથકમાં કાપડના વેપારીઓએ ૧.૫૩ કરોડના ફ્રોડની ફરિયાદ બે દિવસ પહેલા જ નોંધાઈ હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution