લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
1683
ભારતના દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું નશીલું ઝેર ઘુસાડવાનો નાપાક પ્રયાસ કરનારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પર ભુજની સ્પેશિયલ કોર્ટે લાલઆંખ કરી છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કુલ ૫૭૫ કરોડ રૂપિયાની કિંમતનો હેરોઇનનો જથ્થો ઘુસાડવાના ત્રણ અલગ-અલગ મોટા ગુનાઓમાં સંડોવાયેલા ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની નાગરિક સહિત કુલ ૧૯ આરોપીઓને ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નામદાર કોર્ટના જજ વી.એ.બુધ્ધે ચુકાદો આપતાં ગંભીર નોંધ કરી હતી કે, આરોપીઓનું આ કૃત્ય દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે છે અને ભારતના યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું એક સુનિયોજિત કાવતરું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ કોઈ પણ પ્રકારની નરમાશને પાત્ર નથી. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે તમામ ૧૯ આરોપીઓને કડક સજા સંભળાવી છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ ૮(સી) ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, એનડીપીએસ એક્ટની કલમ ૨૩(સી) ના ગુનામાં પણ તકસીરવાન ઠેરવી અન્ય ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આ બંને કલમો હેઠળની સજાઓ આરોપીઓએ એક પછી એક (અલગ-અલગ) ભોગવવાની રહેશે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને મજબૂત સાક્ષીઓ તપાસ્યા હતા અને ધારદાર કાનૂની દલીલો રજૂ કરી હતી.
જખૌ દરિયામાંથી રૂા.૧૭૫ કરોડનું હેરોઇન ઝડપાયું (૦૬/૦૧/૨૦૨૦)
આ કેસની વિગત મુજબ, એટીએસ ગુજરાતને મળેલી ખાનગી માહિતીના આધારે પાકિસ્તાનના કાપર ક્રીકથી આવતી બોટને જખૌના દરિયામાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજની સંયુક્ત ટીમે આંતરી હતી. બોટમાંથી ૩૫,૦૫૫ ગ્રામ (આશરે ૩૫ કિલો) હેરોઇન જપ્ત કરાયું હતું, જેની કિંમત ૧૭૫ કરોડ રૂપિયા હતી. આ ઓપરેશનમાં પાકિસ્તાની આરોપીઓ ઇસ્માઇલ મોહમદ જામ (ઉં.વ. ૫૦), અનીશ ઇશા ભટી (ઉં.વ. ૩૦), અબુબકર હાસમ કુંગરા (ઉં.વ. ૭૦) અને અશરફ ઉસ્માન ભટી (ઉં.વ. ૪૨) ને ઝડપી લેવાયા હતા. આ કેસમાં તપાસ અધિકારી એટીએસના પીઆઈ આઇ.આર.જાડેજાએ ગુનો નોંધ્યો હતો અને તપાસ બાદ પીઆઈ ડી.બી.બસીયાએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
હૈદરી પોર્ટથી આવેલું રૂા.૧૫૦ કરોડનું હેરોઇન પકડાયું
બીજા ગુનામાં પાકિસ્તાનના હૈદરી પોર્ટથી બોટ મારફતે જખૌના દરિયામાં ડ્રગ્સની ડિલિવરી થવાની બાતમીના આધારે ફરી એકવાર એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજે સંયુક્ત રેડ કરીને શંકાસ્પદ બોટ ઝડપી પાડી હતી. તેમાંથી ૩૦ કિલો હેરોઇન જપ્ત કરાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૫૦ કરોડ રૂપિયા થાય છે. આ કેસમાં એટીએસના પીઆઈ વી.બી. પટેલે ગુનો નોંધ્યો હતો અને તપાસના અંતે પીઆઈ વાય.એમ.ગોહીલે ચાર્જશીટ ફાઇલ કરી હતી.
અફઘાની કનેક્શન સાથે રૂા.૨૫૦ કરોડનું હેરોઇન જપ્ત
ત્રીજા મોટા ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના હૈદરી પોર્ટથી જખૌના દરિયામાં ઘુસાડાતો ડ્રગ્સનો વધુ એક મસમોટો જથ્થો સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લીધો હતો. આ તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલતાં એક અફઘાની નાગરિકની પણ ધરપકડ કરાઈ હતી. જહાજમાંથી ૫૦ કિલો હેરોઇન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ૨૫૦ કરોડ રૂપિયા થાય છે.