લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026 |
3168
લીંબડી શહેરમાં મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં ૨ લોકોના કરૂણ મોત થયા છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ વોરા સોસાયટીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી, જેમાં બે લોકોનાં દુ:ખદ મોત નિપજ્યાં છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ રાત્રિના સમયે આગ લાગી તે વખતે મકાનમાં કુલ ત્રણ લોકો હાજર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેઓ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. દુર્ભાગ્યે એક મહિલા અને એક પુરુષ આગની ઝપેટમાં આવી જતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજા વ્યક્તિને બચાવ ટીમે સમયસર બહાર કાઢી લીધો હતો અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે મકાનમાં લગાવવામાં આવેલ એર કન્ડીશનર (એ.સી.)માં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. જાેકે, આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી, કારણ કે મકાનના અંદરના ભાગમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિક રાજકીય આગેવાનો અને ધારાસભ્ય પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના આપી હતી.