વડોદરા, તા. ૧

વિશ્વમાં કોરોનો ફેલાવીને કરોડો નિર્દોષ નાગરિકોના ભોગ લેનાર ચાઈનામાં તાજેતરમાં ભેદી વાયરસમાં હજારો બાળકો સપડાયાના અહેવાલના પગલે આરોગ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે, જ્યારે ગુજરાત સરકારે પણ ચાઈનાનો ભેદી વાયરસ જાે અત્રે ફેલાય તો સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં તૈયારી રાખવા માટે નિર્દેશ કર્યા છે. આ નિર્દેશના ગણતરીના કલાકો બાદ જ શહેરમાં ન્યુમોનિયા વાયરસના લક્ષણો સાથે ભેદી વાયરસના કારણે ૨૦ જેટલા બાળકોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ તંત્રએ તમામ બાળકોના બ્લડ સેમ્પલો પૂનાની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલી બીમાર બાળકોને ક્યો વાયરસ છે, તેની વિગતો મગાવી છે.

 ચાઈનામાં ભેદી વાયરસમાં બાળકો સપડાયાના અહેવાલો બાદ રાજ્ય સરકારના નિર્દેશ બાદ રાજયની તમામ સરકારી હોસ્પિટલોએ સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા તૈયારી પૂરી કરી દીધી છે. આ દોડધામ વચ્ચે શહેરની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં છેલ્લા અઠવાડિયામાં બાળદર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. એસએસજીના પીડિયાટ્રીક વિભાગના વોર્ડ-૧૬ અને ૧૭માં હાલમાં ૨૦ બાળકો દાખલ છે જે બાળકોની ન્યુમોનિયાની સારવાર ચાલું છે. જાેકે, આ બાળકો ન્યુમોનિયા સિવાય અન્ય કોઈ ભેદી વાયરસનો શિકાર બન્યા હોવાની શંકાથી બીમાર બાળકોના પરિવારજનો સાથે ડોક્ટરો પણ ચિંતિત બન્યા છે. આ તમામ બાળકો કયા ચોક્કસ વાયરસના કારણે બીમાર પડ્યા છે તેની ખરાઈ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ બાળકોના બ્લડ સેમ્પલો લઈને તેને પૂનાની વાયરોલોજી લેબ ખાતે મોકલી આપ્યા છે.

આ બાળકોની કેસ હિસ્ટ્રી જાેતા મોટાભાગના બાળકોને સૈાપ્રથમ કફ સાથે ઉધરસ અને તાવની ફરિયાદ હતી. આ બાળકોની પીડિયાટ્રિશ્યન અને જનરલ ફિજિશ્યન પાસે સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થયો નહોતો અને તેઓની શરદી-તાવ ન્યુમોનિયામાં ફેલાઈ જતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બીમાર બાળકોની બિમારીના પ્રાથમિક લક્ષણો ન્યુમોનિયાના છે છે પરંતું તેઓ ચાઈનાની જેમ અન્ય કોઈ ભેદી વાયરસમાં સપડાયા તો નથી ને? તેની વિગતો બાળકોના બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે, તેમ સયાજી હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

બાળકને શરદી-તાવ હોય તો ઘરેલુ ઉપચાર નહીં, પરંતુ ડોક્ટરની દવા જરૂરી

સયાજી હોસ્પિટલમાં ચાલતી ૨૦ બાળકોની ન્યુમોનિયાની સારવાર સંદર્ભે બાળરોગ નિષ્ણાત ડો. પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે કોઈ પણ બાળકને જાે સામાન્ય શરદી-તાવ કે ખાંસી હોય તો ઘરેલું ઉપચારના બદલે તેની તુરંત ડોક્ટર પાસે સારવાર કરાવવી જાેઈએ. આ ઉપરાંત ડોકટરોની સૂચના મુજબ ઈન્ફ્લુએંઝા, કોવિડ-૧૯ અને શ્વસન સંબંધી રસી સમયસર લેવી જાેઈએ અને બીમાર વ્યકિતથી દૂર રહેવું જાેઈએ. જાે શ્વાસ સંબંધી બીમારી હોય તો તેવા દર્દીએ મુસાફરી ટાળવી જાેઈએ. ચાઈનામાં ફેલાયેલા વાયરસ ભારતમાં ફેલાવવાનું જાેખમ ઓછું છે પરંતુ તેના પ્રત્યે ગંભીરતા દાખવવી જરૂરી છે.

ચાઈનાના ભેદી વાઈરસ ૐ૯ દ્ગ૨ પર સતત નિરીક્ષણ

સયાજી હોસ્પિટલમાં હાલમાં રાજ્ય સરકારના આદેશ મુજબ મોટી સંખ્યામાં દર્દીઓ આવે તો તેઓની સારવાર માટે પૂર્વ તૈયારી કરી દેવાઈ છે. આ અંગે સયાજી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે ચાઈનામાં બાળકોમાં ફેલાયેલા એચ૯એન૨ના કેસો તેમજ શ્વસન સંબંધી બીમારી અને ભેદી વાયરસની વિગતો અને અહેવાલો પર સયાજી હોસ્પિટલનું બાળરોગ વિભાગ સતત નજર રાખી રહ્યું છે. સયાજી હોસ્પિટલમાં ફ્લ્યૂ માટેની રસી અને ટેસ્ટની સુવિધા છે અને દર્દીઓએ ડોક્ટરોની સલાહ મુજબ એન્ટિવાયરલ દવાઓ લઈ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જાેઈએ.