જમ્મુ-કાશ્મીરમાં બસ પલટી જતાં ૨૧ પ્રવાસીનાં કરુણ મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   3267

જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિસ્તારના રામનગરથી ઉધમપુર જતી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પહાડથી નીચે ખાબકી. એવું કહેવાય છે કે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ બસ પલટી ગઈ અને પહાડથી નીચે પડી. આ અકસ્માતમાં મૃત્યુઆંક ૨૧ પર પહોંચ્યો છે જ્યારે ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે, જેમાં પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકો મદદ કરી રહ્યા છે. બીજી તરફ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

 પોલીસના જણાવ્યા અનુસાર બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી, ત્યારે જાલો વિસ્તાર પાસે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણોની હાલમાં ખબર પડી શકી નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ અકસ્માત બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે થયો હતો. એક વળાંક પર બસનું ટાયર ફાટ્યું હતું, જેના પછી પૂરઝડપે આવી રહેલી બસ બેકાબૂ બની ગઈ હતી.આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બચાવ ટુકડી દ્વારા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને જણાવ્યું કે ઘાયલો પર નજર રાખવામાં આવી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution