લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2026 |
2673
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવાનો રેકોર્ડ ૨૩૪ પર પહોંચી વધુ લોકોને અંગદાન કરવા પ્રેરિત કરી રહ્યો છે. ખેડાનાં વતનીનું અકાળે અવસાન થતાં તેમના પરિવારે અંગદાન થકી લોકોને નવજીવન બક્ષ્યું છે. ઘટનાની વિગત મુજબ, ૧૨ એપ્રિલ ૨૦૨૬નાં રોજ એક માર્ગ અકસ્માતમાં મનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે ૧૩ એપ્રિલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહીં અને ૧૪ એપ્રિલે તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા. મનુભાઈના અંગદાન થકી એક હ્રદય, એક લીવર, બે કિડની, બે આંખો અને ત્વચાનું દાન પ્રાપ્ત થયું છે. આ પૈકી લીવર અને બંને કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, જ્યારે હ્રદયને શહેરની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમની આંખોનું દાન એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા અને ત્વચાનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલા ૨૩૪ અંગદાન દ્વારા કુલ ૭૭૪ અંગોનું દાન મળ્યું છે. જેમાં મુખ્યત્વે ૪૩૧ કિડની, ૨૦૮ લીવર, ૭૪ હ્રદય અને ૩૪ ફેફસાંનો સમાવેશ થાય છે. આ સાથે જ ૧૯૪ ચક્ષુદાન અને ૪૨ ત્વચાના દાન સહિત કુલ ૧૦૧૦ અંગો અને પેશીઓનું દાન મેળવીને અનેક પરિવારોમાં ખુશીઓ પરત લાવવામાં સફળતા મળી છે.