કલોલની કંપનીમાં ઝેરી ગેસથી ૩ શ્રમિકના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026  |   2871

ગાંધીનગરના કલોલ સ્થિત સઈજ જીઆઈડીસીની મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ૧૪ એપ્રિલની રાત્રે અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસના પ્રભાવથી ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કંપનીના ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ માટે શ્રમિકો એક પછી એક ઉતર્યા હતા. ટાંકીમાંથી પાણી કાઢ્યા બાદ તળિયે જમા થયેલો કચરો અને કાદવ દૂર કરવા માટે શ્રમિકોને અંદર મોકલવામાં આવ્યા હતા. સૌ પ્રથમ અમિત પરીહાર અને અમરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતરતાની સાથે જ બેભાન થઈ ગયા હતા.તેમને બચાવવા અનિલ લોધી ટાંકીમાં ઉતર્યો, પરંતુ તે પણ ગૂંગળામણનો શિકાર બન્યો હતો. અંતે, સાથીદારોને બચાવવા શિવનાથ દુબેએ પણ ટાંકીમાં ઝંપલાવ્યું, પરંતુ ઝેરી વાયુઓના કારણે તે પણ અંદર જ ફસાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં શ્રમિકોએ એકબીજાને બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો.મૃતક શ્રમિકોની ઓળખ અમિત પ્રીતમ પરીહાર (ઉંમર ૩૨, મધ્યપ્રદેશ), અમરકુમાર શ્રીવાસ્તવ (ઉંમર ૩૩, ઉત્તર પ્રદેશ) અને શિવનાથ રામશંકર દુબે (ઉંમર ૪૪, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. અનિલ ભગવાન લોધી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.કંપનીમાં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે આ પ્રકારની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે. સફાઈ દરમિયાન યોગ્ય સુરક્ષા સાધનોના અભાવે શ્રમિકો ઝેરી વાયુઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા સામે આવી છે.આ દુર્ઘટનાએ શ્રમિકોની સુરક્ષા અને કંપનીઓમાં સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં, ગંભીર રીતે ઘાયલ શ્રમિકની સારવાર ચાલી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution