શહેરી વિસ્તારોમાં કામોને મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામાં ૫૦ ટકાનો વધારો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2025  |   9504

ગાંધીનગર, શહેરી વિકાસ વર્ષની સંકલ્પના સાકાર કરીને શહેરો-નગરોમાં સ્થાનિક સત્તા તંત્રો દ્વારા હાથ ધરાતા વિકાસ કામોને વધુ વેગવાન બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. ગુજરાતની નગરપાલિકાઓને શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકની ગ્રાન્ટમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રીએ ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૫ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણથી સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સિટીઝ નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને સાકાર કરવા શહેરોમાં વિકાસ કામોમાં વધુ વેગ લાવીને શહેરી જન સુવિધાના કામો ઝડપથી હાથ ધરવા માટે નાણાંકીય સત્તા મર્યાદામાં કરાયેલો આ વધારો પરિણામકારી બનશે. મુખ્યમંત્રીએ આ હેતુસર ‘અ’ વર્ગની નગરપાલિકાઓના વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની હાલની નાણાંકીય મર્યાદા રૂ.૫૦ લાખ છે તેમાં રૂ.૨૦ લાખ વધારીને હવે રૂ.૭૦ લાખ કરી છે. એટલું જ નહિ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓ માટે ૪૦થી વધારીને રૂ. ૫૦ લાખ, ‘ક’ વર્ગ માટે ૩૦થી વધારીને રૂ. ૪૦ લાખ, ‘ડ’ વર્ગ માટે ૨૦થી વધારીને રૂ. ૩૦ લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપવાની સત્તા અપાઈ છે. મુખ્યમંત્રીએ વહિવટી સરળીકરણની દિશામાં એવા દિશાનિર્દેશો પણ આપ્યા છે કે, નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી મળ્યેથી પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર (આરસીએમ) ઓફિસ દ્વારા સંબંધિત નગરપાલિકાને દરખાસ્ત મળ્યાના પાંચ દિવસમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. એટલું જ નહિ, આવી ગ્રાન્ટની બે હપ્તામાં ૧૦૦ ટકા ફાળવણી કરાશે. આના પરિણામે નગરપાલિકા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં વિલંબનું નિવારણ અને ગ્રાન્ટનો મહત્તમ સદુપયોગ થશે. મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિસ્તારોના ધારાસભ્ય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ, અગ્રણીઓએ આ માટે કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નાણાંકીય સત્તા મર્યાદામાં વધારો કર્યો છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution